(એજન્સી) લખનૌ, તા.૧૧
ઉત્તરપ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીને મોટો ફટકો લાગ્યો છે. પાર્ટીના બે પૂર્વ સાંસદ સહિત ઘણા લોકોએ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવની હાજરીમાં ભાજપનો સાથ છોડી સપામાં સામેલ થઈ ગયા છે. સપામાં સામેલ થનારમાં પૂર્વ સાંસદ શ્યામ લાલ રાવત અને મહેશ વાલ્મિકી સામેલ છે. ભાજપના પૂર્વ સાંસદના સામેલ થવાથી સપા પ્રમુખ અખિલેશ યાદવે કહ્યું કે આ નેતાઓ ઉપરાંત ડોક્ટર આશુતોષ, ડો.નવલ કિશોર ચૌધરી, ડો.સીમાસિંહ અને અન્ય પ્રોફેસર પણ સમાજવાદી પાર્ટીથી જોડાયેલા છે. અમે ઈચ્છીએ છીએ કે જે બુદ્ધિજીવી લોકો સપામાં સામેલ થવા માંગે છે તેમના માટે દરવાજા ખુલ્લા છે એવા લોકોથી પાર્ટી મજબૂત બનશે.
અખિલેશ યાદવે કાયદા-વ્યવસ્થા પર સરકારને આડે હાથ લેતા આરોપ લગાવ્યો કે પોલીસ લોકો પર અત્યાચાર કરી રહી છે. કોઈપણ મામલે એફઆઈઆર દાખલ નથી થઈ રહી. રાજનીતિથી જોડાયેલા લોકો પોલીસ પર દબાવ નાખી રહ્યા છે. પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું કે સાંભળ્યું છે કે ડીજીપી ડ્યુટી જોઈન નથી કરી રહ્યા. કારણ કે સારા દિવસો નથી. અખિલેશે આ કટાક્ષ નવા પોલીસ મહાનિર્દેશક ઓ.પી.સિંહને લઈને કહ્યું હતું.