નવી દિલ્હી, તા. ૫
ઉત્તરપ્રદેશ નગર નિગમ ચૂંટણીઓમાં એક તરફ ભાજપની સફળતાના ઢોલ નગારા વગાડાઇ રહ્યા છે અને પોતે વડાપ્રધાન આ સફળતાને ગુજરાતમાં લાભ લેવાના પ્રયાસ કરી રહ્યા છે. બીજી તરફ કોંગ્રેસે ચૂંટણી પંચને અંતિમ પરિણામ પર પ્રકાશ નાખતા દાવો કર્યો છે કે, ભાજપનીજીત નહીં પરંતુ ભૂંડો પરાજય થયો છે. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અફઝલે સમાચાર એજન્સીસાથે વાત કરતા જણાવ્યું છે કે, એવું કહેવાઇ રહ્યું હતું કે, ભાજપની અહીં મોટી જીત થઇ છે પરંતુ ચૂંટણી પંચ તરફથી યોગ્ય આંકડા જારી કરવામાં આવ્યા ત્યારે જાણવા મળ્યું કે, ભાજપની ઉત્તરપ્રદેશમાં ભારે હાર થઇ છે. તેમણે કહ્યું કે, ઇવીએમ દ્વારા મેયરની ચૂંટણી થઇ છે જેમાં ભાજપને સફળતા મળી છે જેને આધાર બનાવી તેની બંપર જીતનો ડંકો વગાડાય છે. પરંતુ જે હજારો બેઠકો પર ચૂંટણી બેલેટ પેપરથી થઇ છે તેની અવગણના કરવામાં આવે છે. તેમણે કહ્યું કે, આમાં ભાજપને ૧૫થી ૨૮ ટકા મતો મળ્યા છે પરંતુ તેનો ઉલ્લેખ કરવામાં આવતો નથી. તેમણે કહ્યું કે, હું એ જણાવવા માગુ છું કે, ચૂંટણી પંચ દ્વારા હવે જે આંકડા આવ્યા છ તેણે સ્પષ્ટ કરી દીધું છે કે, જે પંચાયતી ચૂંટણીના પરિણામ આવ્યા છે તેમાં ચેરમેન જ નહીં પરંતુ ભાજપના સભ્યો પણ ભૂંડી રીતે હાર્યા છે. તેમણે ક્હયું કે, જ્યાં ૨૮૦ બેઠકો પર લોકો ચૂંટણી લડી રહ્યા હતા ત્યાં ભાજપને ફક્ત ૬૭ બેઠકો મળી છે જ્યાં ચેરમેન માટે ૨૪૫ લોકો લડી રહ્યા હતા ત્યાં ફક્ત ૧૦૦ બેઠકો જ ભાજપને મળી છે. ૫૦૦૦ જેટલી નગર પંચાયત અને આશરે ૪૫૦૦ જેટલી નગર પાલિકાઓમાં ચૂંટણી લડનારા ભાજપનો ભારે પરાજય થયો છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે, એટલું જ નહીં ઇવીએમ દ્વારા ચૂંટણી થઇ છે ત્યાં ભાજપ જીતી રહી છે અને જ્યાં બેલેટ પેપરથી મતદાન થયું છે ત્યાં ભાજપનો વિજય થયો છે અને જ્યાં બેલેટ પેપરથી મતદાન થયું છે ત્યાં ભાજપનો પરાજય થયો છે.