(એજન્સી) તા.૩૧
યુપીમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત પાંચ મંત્રીઓના વિધાન પરિષદના સભ્ય બનવાનો માર્ગ હવે લગભગ સાફ થઇ ગયો છે. ચૂંટણી પંચે અગાઉ ફક્ત ચાર સીટ માટે ચૂંટણીની જાહેરાત કરી હતી પરંતુ મંગળવારે મોડી રાતે વધુ એક સીટ માટે ચૂંટણી કાર્યક્રમ જાહેર કરાયો હતો. તેનાથી ભાજપના હવે દરેક મંત્રી વિધાન પરિષદના સભ્ય બનવામાં લગભગ સફળ થઇ જશે. તમને જણાવી દઇએ કે બસપા એમએલસી ઠાકુર જયવીર સિંહના રાજીનામા બાદ ખાલી પડેલી સીટ માટે પંચે ચૂંટણી કાર્યક્રમ જાહેર કરી દીધો છે. બુધવારે આ સીટ માટે નોટિફિકેશન જાહેર કરાયું હતું. ૭ સપ્ટેમ્બર સુધી ઉમેદવારી નોંધાવાની રહેશે અને ૧૭ સપ્ટેમ્બરે મતદાન યોજાશેે.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, ઉપમુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય તથા ડો.દિનેશ શર્મા સાથે જ મંત્રી સ્વતંત્ર દેવ સિંહ અને મોહસીન રજાને ૧૮ સપ્ટેમ્બર સુધી વિધાનસભા કે વિધાનપરિષદના સભ્ય બનવું જરુરી છે. પરિષદની છ બેઠક વિપક્ષી દળના નેતાઓએ ખાલી કરી છે પરંતુ પંચે ચાર સીટો પર જ ચૂંટણી કરાવવાનો નિર્ણય કર્યો હતો. ઠાકોર જયવીર સિંહ અને અંબિકા ચૌધરીનો કાર્યકાળ એક વર્ષથી ઓછો હોવાને લીધે પંચે આ બેઠક પર પણ ચૂંટણી કરાવવાની જાહેરાત કરી દીધી છે. યોગી સરકારે આ મામલે આવેદન પણ આપ્યું હતું. ચૂંટણી પંચે આ આવેદન સ્વીકારતાં જયવીર સિંહની ખાલી સીટ પર ચૂંટણી કરાવવાનો નિર્ણય કર્યો છે. પંચના આ નિર્ણયથી હવે તમામ પાંચ લોકો એમએલસીના સભ્ય બની જશે તે લગભગ નક્કી દેખાઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે કાર્યવાહક મુખ્ય ચૂંટણી અધિકારી અમૃતા સોનીએ મંગળવારે ચૂંટણી કાર્યક્રમની જાહેરાત કરી હતી.