(એજન્સી) ફરૂખાબાદ, તા.૪
ઉત્તરપ્રદેશમાં ગોરખપુર સ્થિત બીઆરડી હોસ્પિટલમાં નવજાત બાળકોના મોટી સંખ્યામાં મોત ગયા બાદ હવે ફરૂખાબાદ સ્થિત ડૉ.રામ મનોહર લોહિયા રાજકીય હોસ્પિટલમાં ૪૯ બાળકોનાં મોતનો મામલો સામે આવ્યો છે. મોતની ખબર સામે આવ્યા બાદ સરકાર અને દેશ હચમચી ઉઠયો છે. બીઆરડી હોસ્પિટલમાં મોટી સંખ્યામાં બાળકોના મૃત્યુ બાદ ટીકાનો સામનો કરી રહેલી યોગી સરકારની ઊંઘ ઉડી ગઈ છે. તપાસ રિપોર્ટમાં ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે. આ વખતે પણ બાળકોના મોત ઓક્સિજનની અછત અને દવાના અભાવને કારણે થઈ છે. ફરૂખાબાદના એસપી દયાનંદ મિશ્રાએ માહિતી આપતાં કહ્યું છે કે, આ મામલે સીએમઓ અને સીએમસી અને ડીએમ વિરૂદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. એની સાથે તેમનું ટ્રાન્સફર પણ કરવામાં આવ્યું છે. તપાસ વધારે આગળ વધ્યા બાદ આ મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.
ચાલુ વર્ષમાં ફરૂખાબાદ હોસ્પિટલમાં ર૦ જુલાઈથી ર૧ ઓગસ્ટ ૪૯ નવજાત બાળકોનાં મોત થયા જેમાં ૧૯ જન્મની સાથે જ મોતને ભેટયા. મીડિયામાં ખબર ફેલાયા બાદ જિલ્લા અધિકારી રવિન્દ્રકુમારે મુખ્ય ચિકિત્સક અધિકારી ઉમાકાંત પાંડેની અધ્યક્ષતામાં સમિતિ બનાવી તપાસ કરાવી હતી અને આ મામલે હજી પણ તપાસ ચાલુ છે.
ફરૂખાબાદમાં બાળકોનાં મોત બાબતે સાથીઓ સામે થયેલી FIRના વિરોધમાં ડૉક્ટરોની હડતાળની ધમકી
(એજન્સી) ફરૂખાબાદ, તા.૪
ફરૂખાબાદમાં બાળકોના મોત પગલે સાથીઓ વિરૂદ્ધ ફરિયાદનો વિરોધ કરવા ડૉક્ટરોની એક સાથે રજા પર ઉતરી જવાની ધમકી આપી છે. તેમણે કહ્યું છે કે, તેઓ આજે અને બુધવારે પોતાની ડયૂટી પર નહીં આવે અને જો તેમના સાથી ડૉક્ટરો વિરૂદ્ધ ફરિયાદ પાછી નહીં લેવાય તો તેઓ સાત સપ્ટેમ્બર સુધી હડતાળ પર ઉતરશે હોસ્પિટલના મેમ્બરોએ માંગ કરી છે કે તેમના સાથી ડૉક્ટરો વિરૂદ્ધ ફરિયાદ પાછી લે નહીતર તેઓ આજથી હડતાળ પર ઉતરી જશે.