(એજન્સી) તા.ર૮
ઉત્તરપ્રદેશ સરકારે આ અઠવાડિયાની શરૂઆતમાં એક પ્રેસનોટ બહાર પાડી જણાવ્યું હતું કે, સમગ્ર રાજ્યમાં થયેલી સિટિઝનશીપ એકટ વિરોધી દેખાવો દરમિયાન આગજની બદલ ૪૯૮ લોકોને નોટિસ આપવામાં આવી છે. રાજ્ય સરકારે આ પણ કહ્યું હતું કે, જાહેર સંપત્તિના નુકસાન બદલ છ લાખ રૂપિયાનો દંડ પણ વસૂલવામાં આવ્યો છે. ઉત્તરપ્રદેશ સરકારે સુપ્રીમકોર્ટની માર્ગદર્શિકા અને અલ્હાબાદ હાઈકોર્ટના આદેશનો આધાર લઈ આ દંડ વસૂલ્યો હોવા છતાં તેણે આ માર્ગદર્શિકાના એક ભાગની અવગણના કરી છે જેમાં કહેવામાં આવ્યું છે કે ન્યાયિક પ્રક્રિયામાં દોષિત સાબિત થનારા વ્યક્તિ પાસેથી જ દંડ વસૂલવામાં આવે. કાયદા નિષ્ણાંતોનું કહેવું છે કે, કોઈપણ પ્રકારની ન્યાયિક પ્રક્રિયા વગર નોટિસો આપવી અને દંડ ફટકારવો ગેરકાયદેસર છે. યુપીના મુખ્યમંત્રી, તેમના મંત્રીઓ અને અધિકારીઓ માર્ગદર્શિકાના આ ભાગ વિશે ચૂપ છે. સાથે સાથે તેમણે પોલીસે ગણવેશ પહેરીને નાગરિકોની સંપત્તિને પહોંચાડેલ નુકસાન બદલ અંગે મૌન ધારણ કર્યું છે. સોશિયલ મીડિયામાં સંખ્યાબંધ વીડિયો વાયરલ થયા છે જેમાં દેખાઈ રહ્યું છે કે, પોલીસકર્મીઓ સીસીટીવી કેમેરા, ખાનગી વાહનો, મસ્જિદોના વિવિધ ભાગો અને ઘરોને નુકસાન પહોંચાડી રહી છે. વીડિયોના પુરાવાઓ સાથે લોકો ફરિયાદ કરી રહ્યા છે કે, કેવી રીતે પોલીસકર્મીઓએ મુઝફ્ફરનગર, રામપુર, કાનપુર, બિજનૌર અને સંભલમાં પ્રદર્શનકારીઓ પર અને ખાસ કરીને મુસ્લિમો પર અત્યાચાર ગુજાર્યો હતો. વીડિયોમાં જોઈ શકાય છે કે, કેવી રીતે પોલીસ સંપત્તિને નુકસાન પહોંચાડી રહી છે અને મહિલાઓ સાથે ગેરવર્તણૂંક કરી રહી છે. જો ફરિયાદો પર ધ્યાન આપવામાં આવે તો જાણવા મળશે કે પોલીસે ફકત લખનૌમાં જ કરોડો રૂપિયાની સંપત્તિને નુકસાન પહોંચાડયું છે. બીજી તરફ જેમને દંડ માટે નોટિસો ફટકારવામાં આવી છે તેમાંથી મોટાભાગના લોકો ગરીબ છે. તેઓ રોજિંદા ધોરણે તેમનું ગુજરાન ચલાવે છે. સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે કહ્યું હતું કે, કાયદો બધા માટે સરખો હોવો જોઈએ. જો સંપત્તિના નુકસાન બદલ લોકોને દંડ ભરપાઈ કરવાનું કહેવામાં આવતું હોય તો નાગરિકોની સંપત્તિને નુકસાન પહોંચાડનાર પોલીસકર્મીઓને પણ સીસીટીવી ફૂટેજના આધારે ઓળખીને દંડ ફટકારવો જોઈએ. નોંધનીય છે કે, ઉત્તરપ્રદેશ સરકારે બુલંદશહેર અને અન્ય શહેરોમાં સંપત્તિને નુકસાન પહોંચાડનાર ભાજપ સમર્થકો અને આરએસએસ સાથે સંકળાયેલા લોકો પાસેથી દંડ વસૂલવામાં કોઈ સક્રિયતા દર્શાવી ન હતી. સમાજના ફકત એક તબક્કા પર કાયદો લાગુ કરવામાં આવે છે જ્યારે અન્યો છૂટી જાય છે.