(એજન્સી) નવી દિલ્હી,તા.૨૮
ચાલુ વર્ષે સામાન્ય શિયાળા પર કલાઇમેટ ચેન્જની ઘાતક અસર થઇ હોય તેમ દેશમાં રાજધાની દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારત કાતિલ અને સાચા અર્થમાં હાડ થિજાવી દે તેવી કડકડતી ઠંડીની ઝપટમાં આવી ગયું છે. કાતિલ ઠંડીથી એકલા યુપીમાં જ ૨૦ લોકો માર્યા ગયા છે. દિલ્હીમાં ૧૧૮ વર્ષમાં પહેલી વાર લોધી રોડ વિસ્તારમાં તાપમાન ૧.૭ ડીગ્રી નોંધાતા દિલ્હીવાસીઓ ફફડી ઉઠ્યા હતા. કેમ કે દિલ્હીમાં આટલી કાતિલ ઠંડી આ અગાઉ ક્યારેય નોંધાઇ નથી. હવામાન વિભાગે હજુ ઠંડી વધવાની આગૈાહી કરતાં ઇશુના નવા વર્ષનો પ્રારંભ કાતિલ ઠંડીથી થાય તેમ છે. જ્યાં સૌથી વધારે ઠંડી અને બરફ વર્ષા થાય છે તે કાશ્મિર અને હિમાચલમાં સામાન્ય જનજીવન અસ્ત વ્યસ્ત થઇ ગયું છે. હિમાચલના કિનૌરમાં ઠંડાગાર હવામાનથી ઝરણું પણ થીજી ગયું તો શ્રીનગરમાં પણ દાલ સરોવર થીજી ગયાના અહેવાલ મળી રહ્યાં છે. રાજસ્થાનમાં પાંચ શહેરોનું તાપમાન નીચુ ગયું હતું. તો જ્યાં ક્યારેય બરફ પડ્યો નથી એવા મધ્યપ્રદેશમાં સીવીયર કોલ્ડ ડેની ચેતવણી સાથે બરફવર્ષાની આગાહી કરવામાં આવી છે. હવામાનમાં થઇ રહેલા ફેરફારો-કલાઇમેટ ચેન્જની અસર ભારતમાં ધીમે ધીમે વધી રહી હોય તેમ વર્તમાન શિયાળો ભારત માટે ખાસ કરીને સમગ્ર ઉત્તર ભારત માટે વધુ કાતિલ સાહિત થઇ રહ્યો છે. દેશના ઉત્તરી અને પૂર્વી ભાગમાં સતત ઠંડી વધી રહી છે. રાજસ્થાનના ૫ શહેરોમાં શુક્રવારે તાપમાન શૂન્ય નીચે પહોંચી ગયું છે. પંજાબ, હરિયાણા, બિહાર, મધ્ય પ્રદેશ સહિત ઘણાં રાજ્યોમાં ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે. દિલ્હીમાં શનિવારે લઘુત્તમ તાપમાન ૨.૪ સેલ્સિયલ ડિગ્રી નોંધવામાં આવ્યું હતું. જ્યારે લોધી રોડ પરનું તાપમાન ૧.૭ ડિગ્રી નોંધાયું હતું. હિમાચલ પ્રદેશના કિન્નૌરમાં ઠંડીના કારણે ઝરણું જામી ગયું હતું. હવામાન વિભાગે, આગામી ૨ દિવસ સુધી પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને દિલ્હી સહિત ઉત્તરી રાજસ્થાન અને ઉ.પ્ર.માં ઠંડો પવન ફૂંકાવાની શક્યતા જણાવી છે. જ્યારે બિહાર અને પશ્ચિમી મધ્ય પ્રદેશમાં ‘સીવિયર કોલ્ડ ડે’ની ચેતવણી આપવામાં આવી છે. અહીં તાપમાન સામાન્યથી ૫-૮ ડિગ્રી નીચે આવી શકે છે. પ. બંગાળ અને સિક્કિમના હિમાલયમાં તળેટીના વિસ્તાર, પૂર્વી મધ્ય પ્રદેશ, ઝારખંડ અને ઓરિસ્સામાં ‘કોલ્ડ ડે’ની શક્યતા દર્શાવવામાં આવી છે. ઉત્તર પ્રદેશમાં અત્યાર સુધી ઠંડીને કારણે ૨૦ લોકોનાં મોત નીપજ્યાં છે. ફતેહપુરમાં અત્યાર સુધીમાં ત્રણ લોકોનાં મોત નીપજ્યાં છે જ્યારે બંદા, હમીરપુર, યુરૈયા અને કાનપુર ગ્રામીણમાં બે-બે લોકોનાં મોત થયાં છે. દરમ્યાન આજે શનિવારે પાટનગર દિલ્હીમાં ન્યૂનતમ તાપમાન ૨.૪ ડિગ્રી નોંધવામાં આવ્યું હતું. જ્યારે શુક્રવારે તાપમાન ૪.૨ ડિગ્રી રહ્યું હતું. હજુ આગામી ૨ દિવસ ઠંડી રહેવાની શક્યતા છે. મધ્યપ્રદેશના ભોપાલ અને ઈન્દોરમાં શુક્રવારે કોલ્ડ ડે એટલે કે ઠંડો દિવસ રહ્યો હતો. જ્યારે ગ્વાલિયરને સીવિયર કોલ્ડ ડે જાહેર કરવામાં આવ્યો છે. જબલપુર સહિત ૧૨ શહેરોમાં ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે. ગ્વાલિયરના ચંબલમાં વિઝિબિલિટી ઝીરો છે. અહીં મુખ્યમંત્રી કમલનાથ મુલાકાતે આવવાના હતા. પરંતુ એક માહિતી પ્રમાણે,તેમનો પ્રવાસ રદ કરી દેવામાં આવ્યો છે. ટીકમગઢ, રાયસેન અને રતલામ વિસ્તારોમાં ઠંડીની મહત્તમ અસર જોવા મળી હતી. ખેતરોમાં પાક પર ઝાકળ જામી ગઈ હતી. રાજ્યમાં ટીમકગઢમાં સૌથી ઠંડી રાત રહી હતી. અહીં તાપમાન ૧.૫ ડિગ્રી નોંધવામાં આવ્યું હતું. પચમઢીમાં તાપમાન ૧.૨ ડિગ્રી નોંધવામાં આવ્યું છે. ભોપાલમાં સતત બીજા દિવસે પણ તાપમાનમાં ઘટાડો નોંધવામાં આવ્યો છે. ન્યૂનતમ તાપમાન ૫.૩ ડિગ્રી નોંધવામાં આવ્યું છે. જ્યારે શુક્રવારે તાપમાન ૬.૩ ડિગ્રી છે. હવામાન વિભાગનો અંદાજ છે કે, આગામી ૪૮ કલાકમાં મધ્ય પ્રદેશમાં બરફ વર્ષા પણ થઈ શકે છે. રાજસ્થાનના પાટનગર જયપુરમાં ઠંડીએ ૫ વર્ષ અને જોધપુરમાં ૩૫ વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. આજે શનિવારે ન્યૂનતમ તાપમાન જયપુરમાં ૩.૪ ડિગ્રી અને જોધપુરમાં ૬.૪ ડિગ્રી નોંધવામાં આવ્યું છે. શુક્રવારે રાતે ફતેહપુરમાં -૪, સીકરમાં -૧.૦ આ સિવાય માઉન્ટ આબુ, જોબનેર, માઉન્ટ આબુ અને કિશનગઢ રેનવાલમાં તાપમાન -૧.૫ ડિગ્રી નોંધવામાં આવ્યું છે. ફતેહપુરમાં છેલ્લી ત્રણ રાતથી તાપમાન માઈનસ ડિગ્રીમાં છે. શનિવારે સવારે શ્રીનગરનં ન્યૂનતમ તાપમાન ૦૫.૮ ડિગ્રી નોંધવામાં આવ્યું છે. આ સીઝનનું સૌથી ઓછું તાપમાન નોંધવામાં આવ્યું છે. આ સિવાય પહાડી વિસ્તારમાં બરફવર્ષાના કારણે પણ ઠંડી વધી છે. કાશ્મીરમાં ચિલ્લઈ કલા ચાલુ છે, જે ૪૦ દિવસનો ખૂબ ઠંડી વાળો સમય હોય છે. છત્તીસગઢનું અંબિકાપુર સૌથી ઠંડુ શહેર તરીકે નોંધાયું હતું. શનિવારે અંબિકાપુર ૩.૮ ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર હતું. આ સિવાય પેંડ્રા રોડનું તાપમાન ૪.૧ ડિગ્રી નોંધવામાં આવ્યું છે.

ઉત્તર ભારતમાં જીવલેણ ઠંડીનો કહેર : ઉત્તરપ્રદેશમાં ૨૮ લોકોનાં મોત

આખું ઉત્તર ભારત શીતલહેરની ઝપેટમાં આવી ગયું છે. હાડ થીજાવી દેતી ઠંડીની ઝપેટમાં આખું ઉત્તર પ્રદેશ આવી ગયું છે. અહીં ઠંડીને કારણે ૨૮ લોકોનાં મોત થયા છે. જ્યારે ઝારખંડમાં ૮ લોકો અને બિહારમાં ૧૧ લોકોના મૃત્યુ થયા છે. પ્રાપ્ત વિગત પ્રમાણે એકલા બુંદેલખંડ અને મધ્ય ઉત્તર પ્રદેશમાં ઠંડીને કારણે ૧૭ લોકોનાં મોત થયા છે. કાનપુરમાં ૧૦, વારાણસીમાં ચાર, ફતેપુર અને ઔરેયા અને કાનપુર દેહાતમાં બે-બે લોકોનાં મોત થયા છે. જ્યારે બાંદામાં એક વૃદ્ધ મહિલાએ દમ તોડી દીધો હતો. પ્રતાપગઢમાં એક યુવકનું ઠંડી લાગી જતાં મોત થયું હતું. પ્રયાગરાજના ફૂલપુરમાં ઠંડીથી એક મહિલા અને ખેતરમાં પાકની દેખરેખ રાખતા બે ખેડૂતોનાં મોત થયા છે. હવામાન વિભાગના અંદાજ પ્રમાણે ૨૯મી ડિસેમ્બરનો દિવસ સૌથી ઠંડો રહી શકે છે. હવામાન વિભાગે રવિવારે સૌથી ઠંડો દિવસ રહેવાનું અનુમાન લગાવ્યું છે. જ્યારે અલીગઢમાં શુક્રવારે લઘુત્તમ તાપમાન ૩.૬ અને મહત્તમ તાપમાન ૧૧.૨ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. સખત ઠંડીને કારણે ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓમાં સ્કૂલ તેમજ કોલેજો આગામી થોડા દિવસ સુધી બંધ કરી કરી દેવામાં આવી છે. ગોરખપુર, વારાણસી અને ઇટાવા સહિત અનેક જિલ્લા શીતલહેરને કારણે બેહાલ છે. લોકો ઘરમાંથી બહાર નથી નીકળી શકતા. આ જિલ્લાઓમાં પારો છ ડિગ્રીથી નીચે આવી ગયો છે. ગોરખપુરમાં આઠમાં ધોરણ સુધીની સ્કૂલો ૨૯મી ડિસેમ્બર સુધી બંધ કરી દેવામાં આવી છે.