(એજન્સી) લખનૌ, તા.૩
ઉત્તર પ્રદેશના જુદા જુદા ભાગમાં આગલી રાતથી પડી રહેલા વરસાદને લીધે વધુ છ જણનાં મોત થયાં હતાં અને બીજા આઠ જણને ઈજા થઈ હતી. પહેલી જુલાઈથી વરસાદને લીધે થયેલી જાનહાનિની કુલ સંખ્યા ૧૫૪ થઈ હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. બારાબંકીમાં બે જણ જ્યારે કાનપુર દેહાત, શાહજહાનપુર, બાલિઆ અને ક્ધનોજ પ્રત્યેકમાં અક્કેકનાં મોત નીપજ્યાં હતાં. આ સમયગાળા દરમિયાન જાનહાનિની કુલ સંખ્યા ૧૫૪ થઈ હતી જ્યારે, ૧૩૧ને ઈજા થઈ હતી. ૧૮૭ થી વધુ પશુનાં મોત થયાં હતાં અને ૧,૨૫૯ ઘરને નુકસાન થયું હતું. વરસાદને લીધે દીવાલ ધસી પડવાની, ઝાડ પડી જવાની અને વીજળીનો કરંટ લાગવાની ઘટનાને લીધે મોટા ભાગે જાનહાનિ થઈ હતી.
મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે વરિષ્ઠ પોલીસ અધિકારીઓને લોકોને સાબદાં રહેવાનું જણાવ્યું હતું કે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને જર્જરિત ઈમારતોમાં રહેતા લોકોને સલામત સ્થળાંતર કરાવવાનો આદેશ આપ્યો હતો. વરસાદના અસરગ્રસ્ત વિસ્તારોનાં લોકોને તબીબી અને નાણાકીય સહાય આપવાનું જણાવ્યું હતું.
દરમિયાન, મથુરામાં યમના નદીના પાણી ભયજનક સપાટીની નીચે હોવાથી રાજ્યના વહીવટી તંત્રે લોકોને ડર નહીં રાખવાનું જણાવ્યું હતું. હથની કુંડમાંથી ત્રણ લાખ ક્યુસેક્સ પાણી છોડવામાં આવ્યું હોવાથી યમુના નદીનું જળ સ્તર વધ્યું હતું તે હવે નીચે આવી રહ્યું છે. જિલ્લા મેજિસ્ટ્રેટ સર્વજ્ઞ રામ મિશ્રાએ જણાવ્યું હતું કે મથુરામાં લોકોની સલામતી માટે ૨૩ પૂરરાહત છાવણી, ૩૩ પૂર આઉટપોસ્ટ અને ૧૪૮ બૉટની વ્યવસ્થા કરવામાં આવી છે.