(એજન્સી) તા.૬
૨૦ ડિસે.ના રોજ સીએએ વિરોધી દેખાવો બાદ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ સઆદત મદ્રેસાના વિદ્યાર્થીઓ પોતાના શરીર પર ઉઝરડા અને હાડકાના ફ્રેક્ચર સાથે પરત આવ્યાં છે અને પોલીસે તેમના પર પાશવતા આચરી હોવાનો આક્ષેપ કર્યો છે.
શહેરના આર્યસમાજ રોડ પર આવેલ મદ્રેસા-કમ-હોસ્ટેલનું સંચાલન ૭૨ વર્ષના મૌલાના આસાદ રઝા હુસૈની કરે છે અને ૧૫થી ૨૦ વર્ષની વયજૂથના ૧૦૦ જેટલા વિદ્યાર્થીઓની સારસંભાળ રાખે છે જેમાંના કેટલાક વિદ્યાર્થીઓ અનાથ છે. ૨૦ ડિસે. ૨૦ જેટલા પોલીસકર્મીઓ મદ્રેસા પર ત્રાટક્યાં હતાં અને દેખાવકારોએ મદ્રેસામાં આશ્રય લીધો છે એવો આક્ષેપ કર્યો હતો. હુસૈની અને મદ્રેસાના અને ૩૫ વિદ્યાર્થીઓની ધરપકડ કરીને પોલીસ તેને ઉઠાવી ગઇ હતી.
પોલીસ કસ્ટડીમાંથી પરત આવેલ ૨૧ વર્ષના સીતાપુરના ઇરફાન હૈદરે જણાવ્યું હતું કે પોલીસની મારપીટને કારણે તેના જમણા પગમાં ફ્રેક્ચર થઇ ગયું છે અને ડાબો હાથ તૂટી ગયો છે અને હવે તેણે વ્હિલચેરનો ઉપયોગ કરવો પડે છે. પોલીસે તેને ઢોર માર માર્યો હતો. મુઝફ્ફરનગરના કોંગ્રેસ નેતા સલમાન સૈઇદને ટાંકીને એવા અહેવાલો પ્રસિદ્ધ થયાં હતાં કે મદ્રેસાના કેટલાક વિદ્યાર્થીઓને પોલીસના માર અને અત્યાચારોને કારણે મળદ્વાર વાટે રક્તસ્ત્રાવ શરૂ થઇ ગયો હતો. જો કે ઇરફાન હૈદર અને અન્ય વિદ્યાર્થીઓએ આ અહેવાલો સાચા નથી એવું જણાવ્યું હતું. હુસૈનીના સંબંધી અને વિશ્વાસુ નાવેદ આલમે આ અહેવાલોને રદિયો આપતાંં જણાવ્યું હતું કે આ વાત સાચી નથી. બાળકો અને મૌલાના સાહેબ કે કોઇને મળદ્વાર વાટે રક્તસ્ત્રાવ થયો ન હતો. તેમને પાશવી રીતે માર મારવામાં આવ્યો હતો, બાકી અમારે કોઇ અન્ય આક્ષેપો કરવાના નથી. એક અન્ય સંબંધી મોહમ્મદ આઝમે જણાવ્યું હતું કે અમારે અલ્લાહને પણ અમારો ચહેરો બતાવવાનો છે તેથી જૂઠું બોલવાનો કોઇ અર્થ નથી.
જો કે કોંગ્રેસના પૂર્વ સાંસદ સૈદુઝમાન સહિતના પુત્રનો સંપર્ક કરતાં તેણે જણાવ્યું હતું કે અત્યારે બધા ખૂબ જ ગભરાયેલા છે. તેથી તેઓ હમણાં વાત કરવા માગતાં નથી. કેટલાક વિદ્યાર્થીઓએ એવો દાવો કર્યો હતો કે પોલીસે તેમને પીવાનું પાણી પણ આપ્યું ન હતું. તેમણે અમને પાણી આપવાનો ઇનકાર કર્યો હતો અને જણાવ્યું હતું કે જો તમને આટલી બધી તરસ લાગી હોય તો તમારો પેશાબ પીઓ.