(એજન્સી) લખનૌ, તા.૪
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના મંત્રીઓ સાંસદો, ધારાસભ્યોને દલિતોના ઘરે જવાના આદેશ આપ્યા હતા. ત્યારબાદ ભાજપના કેટલાક નેતાઓ દલિતોના ઘરે ગયા હતા પરંતુ દલિતોના ઘરે ગયા બાદ ભાજપના નેતાઓએ જે નિવેદનો આપ્યા જે વિવાદનું કારણ બની ગયા છે. ઉત્તરપ્રદેશ યોગી સરકારમાં શિક્ષણમંત્રી અનુપમએ પણ આવું જ એક વિવાદીત નિવેદન કર્યું હતું. તેમણે કહ્યું કે મચ્છરો કરડવા છતાં ભાજપના નેતા દલિતોના ઘરે જઈ રહ્યા છે. આ નિવેદન બાદ વિપક્ષે ભાજપ પર નિશાન સાધ્યું હતું. યોગી સરકારમાં શિક્ષણમંત્રી અનુપમા જયસ્વાલે કહ્યું કે, ગરીબો, દલિતોના લાભ માટે નીતિઓ બનાવવામાં આવી રહી છે અને આ નીતિઓનો લાભ પણ તેમને મળી રહ્યો છે. દલિતોને નીતિઓના લાભની જાણકારી આપવા માટે બીજેપી સરકારના મંત્રીઓ રાતભર દલિતોના ઘરે જાય છે અને એમને મચ્છર કરડે છે તેમણે કહ્યું કે મચ્છર કરડવા છતાં મંત્રીઓ દલિતો, ઘરમાં રોકાય છે, સૌથી મોટી વાત એ છે કે તેઓ ખુશ થાય છે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીએ તેમના મંત્રીઓ, સાંસદો અને ધારાસભ્યોને દલિતોના ઘર જઈને રોકવવાના આદેશ આપ્યા હતા. ભાજપના અન્ય એક મંત્રી રાજેન્દ્ર પ્રસાદે આ અગાઉ તેમની સરખામણી રામ સાથે કરીને એવું નિવેદન આપ્યું હતું કે ભગવાન રામ પણ ‘શબરી’ના ઘરે ગયા હતા અને દલિતોને શુદ્ધ કર્યા હતા. તેમણે કહ્યું કે તેમને જ્ઞાનની માતાએ ભોજન પીરસ્યું છે તો ક્ષત્રિય હોવાના નામે ધર્મની રક્ષા કરવાની તેમની ફરજ છે. આ અગાઉ યુપી સરકારના શેરડી વિકાસ તેમજ જિલ્લા પ્રભારી મંત્રી સુરેશ રાણાએ પણ દલિત પરિવાર સાથે ભોજન લીધું હતું. પરંતુ તેમના ભોજને વિવાદ ઊભો કર્યો હતો. કારણ કે મંત્રીએ મીઠાઈવાળા હાથે બનાવેલ પાલક પનીર, મખની દાળ, છોલા, રાયતું, તંદૂરી, કોફી, રસગુલ્લા અને મિનરલ વોટરની લ્હાણી કરી હતી જેની ખૂબ ટીકા થઈ હતી.