(એજન્સી) લખનઉ, તા. ૨૮
હિન્દુઓના ઓછામાં ઓછા પાંચ બાળકો હોવા જોઇએ, નહિંતર તેઓ લઘુમતીમાં આવી જશે એવું કહ્યાના એક દિવસ બાદ ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લામાં બૈરિયાના ભાજપના ધારાસભ્ય સુરેન્દ્રસિંહે ફરી એક વિવાદ સર્જ્યો છે. આ વખતે તેમણે બસપના સુપ્રીમો માયાવતી વિશે અપમાનજનક ટિપ્પણીઓ કરી છે. ભાજપના ધારાસભ્યે માયાવતીને માલવતી કહીને તેમના રાજકારણની ભેંસ ગણાવ્યા છે. સુરેન્દ્રસિંહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરીને તેમને રામના અવતાર અને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથને હનુમાનના અવતાર ગણાવ્યા છે. સિંહે મહાગઠબંધનને રાવણના ૧૦ માથા તરીકે ગણાવીને જણાવ્યું કે રાહુલ ગાંધી તેમના મુખ્ય નેતા છે. તેમણે કહ્યું કે ભેંસને તમે કોઇ સભ્ય સમાજની રિતભાત કે શિષ્ટાચાર શીખવાડી શકો નહીં. ભેંસને તમે સાફ કરો અથવા તેના પર સુગંધ નાખો તોપણ, ભેંસ ગંદકી જોતાની સાથે જ તેમાં જશે અને આળોટશે. તેમણે માયાવતીને સંપૂર્ણ ભ્રષ્ટ ગણાવ્યા અને જણાવ્યું કે ભાજપે માયાવતીને સભ્યતા અને સંસ્કાર આપવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ભેંસ પર તેની કોઇ અસર ન થઇ.