નવી દિલ્હી,તા. ૨૪
ગોવાના મડગામ સ્ટેશનથી રવાના થઇને પટણા જતી વાસ્કો ડિ ગામા-પટણા એક્સપ્રેસ આજે વહેલી પરોઢે પાટા પરથી ખડી પડતા ઓછામાં ઓછા ત્રણ યાત્રીઓના મોત થયા છે અને ૨૦ યાત્રિઓ ઘાયલ થયા છે. જે પૈકી કેટલાકની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે. ટ્રેનની ૧૩ બોગી પાટા પરથી ખડી પડતા અફડાતફડી મચી ગઇ હતી. આની સાથે જ ટ્રેન અકસ્માતોનો સિલસિલો જારી રહ્યો છે. ઉત્તરપ્રદેશના ચિત્રકુટમાં માનિકપુર રેલવે સ્ટેશનની પાસે સવારે ૪.૧૮ વાગે આ દુર્ઘટના બની હતી. ઘાયલ થયેલા તમામને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઉત્તરપ્રદેશના એડીજી ( કાયદો અને વ્યવસ્થા)ના કહેવા મુજબ રેલવે ટ્રેકમાં તિરાડ હોવાના કારણે આ બનાવ બન્યો હતો. મૃત્યુ પામેલા લોકોની ઓળખ કરી લેવામાં આવી છે. જેમાં બેતિયાના પિતા-પુત્રનો સમાવેશ થાય છે. જેની ઓળખ દીપક અને રામસ્વરૂપ તરીકે થઇ છે. ત્રીજા મૃતકની ઓળખ હજુ કરવામાં આવી નથી. ટ્રેન પાટા પરથી ખડી પડવાના બનાવમાં સ્લીપર ડબ્બાને વધારે નુકસાન થયુ છે. ચિત્રકુટના પોલીસ અધિકારી પ્રતાપ ગોપેન્દ્ર સિંહે કહ્યુ છે કે ગોવાથી પટણા જતી ૧૨૭૪૧ વાસ્કો ડિ ગામ એક્સપ્રેસ વહેલી પરોઢે સવા ચાર વાગે માનિકપુર જંક્શનના પ્લેટફોર્મ નંબર બેથી પસાર થઇ રહી હતી. ટ્રેન જેમ જ પ્લેટફોર્મથી થોડાક અંતરે વધી હતી ત્યારે જ તેના ૧૩ ડબ્બા પાટા પરથી ખડી પડ્યા હતા. ઘાયલ થયેલા લોકો પૈકી કેટલાકની હાલત ગંભીર જણાવવામાં આવી છે. ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અન્ય ઘાયલ લોકોને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ટ્રેન દુર્ઘટનાના કારણે મુંબઇ, ગોવા અને પટણા તરફ જતી ટ્રેન સેવા ખોરવાઇ ગઇ હતી. બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી હતી. તમામ અસરગ્રસ્ત ડબ્બામાંથી લોકોને બહાર કાઢી લેવામાં આવ્યા છે. મેડિકલ ટ્રેન પણ રવાના કરાઇ છે.અકસ્માત બાદ ઉત્તર મધ્ય રેલવે દ્વારા હેલ્પ લાઇન નંબર જારી કરવામાં આવ્યા છે. ઘાયલો પૈકી તમામ લોકોની ઓળખ કર લેવામાં આવી છે. ઉત્તર મધ્ય રેલવેના જનસંપર્ક અધિકારી અમિત માલવીએ કહ્યું છે કે, રાહત અને બચાવ કામગીરી ઝડપથી ચાલી રહી છે. રેલવેના અધિકારી ઘટનાસ્થળે જવા રવાના તરત જ થઇ ગયા હતા. તપાસના આદેશ પણ થઇ ચુક્યા છે. મેડિકલ ટીમ વહેલી પરોઢે જ પહોંચી ગઈ હતી. હાલમાં અનેક રેલવે અકસ્માતો થઇ ચુક્યા છે.