(એજન્સી) લખનઉ, તા.૧૪
ઉત્તર પ્રદેશના કેબિનેટ પ્રધાન ઓમપ્રકાશ રાજભરે ગુરૂવારે એવી જાહેરાત કરી છે કે, પછાત વર્ગ કલ્યાણ વિભાગની જવાબદારીથી પોતાનું રાજીનામુ આપવા માટે તેઓ મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથને મળવાના છે. રાજભરની આ જાહેરાતથી એવી ચર્યાઓ શરૂ થઇ ગઇ છે કે, રાજભર ટૂંક સમયમાં જ પોતાનું કેબિનેટપદ અને ભાજપનો સાથ છોડી શકે છે. રાજભર ઉત્તર પ્રદેશમાં ભાજપના સહયોગી સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના વડા છે. તેઓ દિવ્યાંગજન સશક્તિકરણ વિભાગના પણ પ્રભારી છે. પ્રધાન રાજભર તેમની પોતાની સરકાર વિરૂદ્ધ અવિરતપણે બોલી રહ્યા છે. પોતાના રાજીનામા પત્રમાં રાજભરે જણાવ્યું છે કે, પછાત વર્ગોના લોકો રોષે ભરાયા છે અને સરકારની બેદરકારીને કારણે તેઓ પછાત વર્ગોના લોકોને તેમના અધિકાર આપવા માટે અક્ષમ છે. ઉત્તર પ્રેદશના મુખ્યપ્રધાનને પાઠવેલા પત્રમાં રાજભરે લખ્યું છે કે, સામાજિક ન્યાયના અહેવાલો મુજબ સરકાર ૨૭ ટકા ઓબીસી અનામતમાં જાતિઓનું વર્ગીકરણ કરી રહી નથી અને પછાત વર્ગોના વિદ્યાર્થીઓને સ્કોલરશિપના નાણા આપવામાં આવી રહ્યા નહીં હોવાથી પછાત વર્ગના લોકો નારાજ છે અને રોષે ભરાયા છે. તેમણે એવું પણ કહ્યું કે, ‘પિછડા વર્ગ આયોગ’માં તેમણે સૂચવેલા કોઇ પણ નામ સામેલ કરવામાં આવ્યા નથી. મારાથી પછાત વર્ગના લોકોને ભારે અપેક્ષાઓ છે અને સરકાર દ્વારા સતત ઉપેક્ષા કરવાને કારણે હું તેમને તેમના હક અપાવી શકતો નથી.