(એજન્સી) તા.૨૫
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા મંગળવારે દેશવ્યાપી નાગરિકતા કાયદા વિરોધી પ્રદર્શનો દરમ્યાન રાજ્યમાં વિવિધ સ્થળોએ થયેલા નુકસાન બદલ લોકો સાથે બદલો લેવાની ટિપ્પણી કર્યા બાદ બુધવારે ઉત્તરપ્રદેશ સરકારે પ૧૭ હથિયાર લાયસન્સ ધારકો અને ર૮ પ્રદર્શનકારીઓને તોફાની ગણાવી તેમની પાસેથી નુકસાનનું વળતર વસૂલવા માટે નોટિસો ફટકારી છે
નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલા હિંસક દેખાવો, તોડફોડના કેસમાં યોગી સરકારે એક્શન લેવાનું શરૂ કરી દીધું થે. રામપુરમાં ૨૮ લોકોને તંત્રએ ૧૪.૮૬ લાખ રૂપિયાની સંપત્તિને નુકસાન પહોચાડવાની નોટિસ આપી છે. પ્રશાસને નોટિસમાં પુછ્યું છે કે સંપત્તિને નુકસાન પહોંચાડવાના બદલામાં તેમની પાસે વસુલાત કેમ ન કરવી જોઈએ? પ્રશાસને જે લોકોને સંપત્તિ નુકસાનના આરોપી ગણાવ્યા છે તેમાં ફેરીવાલા, મજૂરી કરનારો વર્ગ પણ સામેલ છે.
આ પહેલા લખનઉમાં પણ હિંસક દેખાવો વખતે ૧૦૦થી વધારે લોકોની સંપત્તિને નુકસાન પહોંચાડવાના કેસમાં નોટિસ ફટકારાઈ છે. રાજ્યના ૨૨ જિલ્લામાં નાગરિકતા કાયદા વખતે થયેલા હિંસા બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું હતું કે, જે લોકોએ સાર્વજનિક સંપત્તિને નુકસાન પહોંચાડ્યું છે, તેમની સંપત્તિ જપ્ત કરીને વસુલાત કરવામાં આવશે. ઉત્તરપ્રદેશમાં રામપુર પહેલો જિલ્લો છે, જ્યાં સંપત્તિના નુકસાન માટે ૨૮ લોકોને સીધા આરોપી ગણવામાં આવ્યા છે. ૨૧ ડિસેમ્બરે રામપુરમાં દેખાવકારો દ્વારા સાર્વજનિક સંપત્તિમાં તોડફોડ કરવામાં આવી હતી. સુરક્ષાબળો પર ફાયરિંગ અને પથ્થરમારો પણ કરવામાં આવ્યો છે. જેમાંથી એક યુવકનું મોત પણ થઈ ગયું છે. પોલીસે હિંસાના કેસમાં ૧૫૦થી વધારે દેખાવકારોને આરોપી ગણ્યા છે. અત્યાર સુધી આ કેસમાં ૩૩ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

૧૧ રાજ્યો, પ૬ ટકા વસ્તી CAA-NRCના વિરોધમાં

(એજન્સી) નવી દિલ્હી, તા.રપ
ભારતમાં ઠેર-ઠેર સીએએ-એનઆરસી-એનપીઆર સામે વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. એ દરમિયાન ખોટી અફવાઓ ફેલાવવામાં આવી રહી છે કે ૬પ ટકા ભારતીઓ સીએએનું સમર્થન કરી રહ્યા છે. જો કે, આ હકીકત નાગરિકોને ગેરમાર્ગે દોરનાર છે. દેશભરમાં થઈ રહેલ વિરોધો વચ્ચે ૧૧ રાજ્યોના મુખ્યમંત્રીઓએ એમના રાજ્યોમાં એનઆરસી અને સીએએનું અમલ નહીં કરવા જાહેરાતો કરી છે. આ ૧૧ રાજ્યો દેશની પ૪ ટકા જમીનને આવરી લે છે અને એમાં પ૬ ટકા વસ્તી નિવાસ કરે છે. વડાપ્રધાન મોદીએ દાવો કર્યો હતો કે, એનઆરસી બાબતે ચર્ચા કરાઈ જ નથી પણ આ દાવો સત્ય નથી કારણ કે, અમિત શાહ, રાષ્ટ્રપતિ અને ભાજપના અન્ય નેતાઓએ ભારપૂર્વક કહ્યું હતું કે ગમે તે થાય એનઆરસી સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે. એનઆરસી-સીએએનો વિરોધ કરનારાઓમાં નવા જોડાયેલ મુખ્યમંત્રીઓ જગન મોહન રેડ્ડી અને ઉદ્ધવ ઠાકરે છે. દરમિયાનમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઠાકરેએ મુસ્લિમ નેતાઓના એક પ્રતિનિધિમંડળને જણાવ્યું હતું કે, અમારી સરકાર સીએએ અને એનઆરસીનું અમલ કરશે નહીં અને મહારાષ્ટ્રમાં ડિટેન્શન સેન્ટરો બનાવવામાં નહીં આવે. શિવસેના ભાજપનો પૂર્વ સાથી પક્ષ છે પણ સત્તા મેળવવા એમણે કોંગ્રેસ અને એનસીપી સાથે જોડાણ કર્યું છે. એમણે આ પહેલાં લોકસભામાં સીએએનું સમર્થન કર્યું હતું અને રાજ્યસભામાં મતદાન વખતે મત આપવાથી દૂર રહી હતી. ઘણા બધા રાજ્યોની બિનભાજપી સરકારોએ એનઆરસી-સીએએના વિરોધમાં સામે આવ્યા છે.
બિહાર : બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારે ર૦મી ડિસેમ્બરે કહ્યું હતું કે, બિહારમાં એનઆરસી લાગુ કરવાનો પ્રશ્ન જ નથી.
ઓડિસા : મુખ્યમંત્રી નવીન પટનાઈકે કહ્યું અમે એનઆરસીનું અમલ રાજ્યમાં નહીં કરીશું. જો કે, એમના લોકસભાના ૧ર સભ્યો અને રાજ્યસભાના ૭ સભ્યોએ સીએએની તરફેણમાં મત આપ્યો હતો. એમણે સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે, અમોએ સીએએને સમર્થન આપ્યું હતું. અમે વિચાર્યું હતું કે, સીએએને ભારતીય નાગરિકો સાથે કોઈ નિસ્બત નથી.
પંજાબ : પંજાબના મુખ્યમંત્રી અમરિન્દરસિંઘે સીએએ બિલ પસાર થતાં પહેલાં જ કહ્યું હતું કે, અમે ભેદભાવ ભરેલ કાયદાનું વિરોધ કરીએ છીએ. એમણે ૭મી ડિસેમ્બરે કહ્યું હતું કે, પંજાબમાં એનઆરસીને લાગુુ નહીં કરાશે કારણ કે, ભારતની લોકશાહી વિરૂદ્ધ છે. પંજાબના મુખ્યમંત્રીએ એનઆરસી-સીએએનો વિરોધ કર્યો એ પછી છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બધેલે પણ કહ્યું હતું કે, અમારા રાજ્યમાં એનઆરસી લાગુ કરવાની કોઈ જરૂર નથી.
કેરળ : કેરળ શાસક પક્ષ કોમ્યુનિસ્ટ પાર્ટીએ પણ સીએએ-એનઆરસીનું અમલ નહીં કરવા જણાવ્યું છે.
પ.બંગાળ : ૧૧મી ડિસેમ્બરે રાજ્યસભામાં સીએએ બિલ પાસ થયા પછી એમણે કડક રીતે જણાવ્યું કે, અમે આ કાયદાનું અમલ નહીં કરીએ. એનઆરસી બાબત તો એમણે ઘણા સમય પહેલાંથી જ વિરોધ દર્શાવ્યો છે.
રાજસ્થાન : રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે જાહેરાત કરી હતી અમે આ કાયદાઓ રાજસ્થાનમાં લાગુ નહીં કરીએ. એમણે એનઆરસી-સીએએ સામે નીકળેલ વિરોધ પ્રદર્શન રેલીની આગેવાની પણ લીધી હતી.
મધ્યપ્રદેશ : મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે ર૩મી ડિસેમ્બરે જાહેરાત કરી હતી કે, અમે સીએએ-એનઆરસીનું અમલ નહીં કરીએ.
દિલ્હી : દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે સંસદમાં વિરોધમાં મત આપ્યો હતો અને એ પછી પણ જણાવ્યું છે કે એ એ એનઆરસીનું અમલ નહીં કરે.