(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.રર
રાજ્યમાં માછીમારી કરનારાઓને તેમની બોટો માટે ડીઝલ-ઓઈલમાં રાહત આપવા અંગેના પ્રશ્ને પણ આજે વિધાનસભા ગૃહમાં ભારે હોબાળો મચ્યો હતો. ભાજપ-કોંગ્રેસ બન્ને પક્ષોને આજે પોતપોતાના વખતની પક્ષની કેન્દ્ર સરકારોના બચાવમાં આવવું પડ્યું હતું અને સામ-સામાં આક્ષેપોનો મારો ચલાવ્યો હતો. માછીમારોને ડીઝલ-ઓઈલમાં રાહત આપવા અંગેના કેન્દ્ર સરકારની નીતિ-ર૦૦૯માંથી બી.પી.એલ.ની નોર્મ્સ દૂર કરવા અંગેનો પ્રશ્ન કેન્દ્ર સરકાર સમક્ષ વર્ષોથી પડતર હોઈ રાજ્યમાં અને કેન્દ્ર એમ બન્નેમાં ભાજપની જ સરકાર હોઈ વિલંબ કરાઈ રહ્યાના મુદ્દે કોંગ્રેસે ભારે આક્ષેપો કરી ગૃહમાં હોહા મચાવી હતી. તો સામે પક્ષે ભાજપે આ કોંગ્રેસની યુપીએ સરકારે જ કર્યં હોવાનો જવાબ આપી વળતા પ્રહારો કર્યા હતા. વિધાનસભામાં આજે પ્રશ્નોત્તરી કરતા દરમ્યાન માછીમારો અંગેનો આ પ્રશ્ન રજૂ થયો હતો. જેમાં કેન્દ્ર સરકારની ફીશરમેન ડેવલપમેન્ટ રીલેટ ઓન એચ.એસ.ડી. ઓઈલ માટે કેન્દ્રની નીતિ-ર૦૦૯માંથી બીપીએલ અંગેના નોર્મ્સ દૂર કરવા કૃષિમંત્રીએ તા.૩૧/૧ર/ર૦૧૩ અને વિભાગ દ્વારા તા.૧૭/ર/૧૪એ કેન્દ્રમાં રજૂઆત કરવામાં આવી હતી. તે અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવાયો નથી અને આ મુદ્દો કેન્દ્ર સરકારની વિચારણા હેઠળ હોવાનું લેખિત જવાબમાં મત્સ્યોદ્યોગ મંત્રીએ જણાવ્યું હતું. તેની સામે કોંગ્રેસના ધારાસભ્યોએ તેમાં પૂરક પ્રશ્નોનો મારો ચલાવી આટ-આટલ વર્ષો સુધી કેન્દ્રમાં ભાજપની જ સરકાર હોવા છતાં માછીમારોના આ પ્રશ્ને થતાં હળહળતા અન્યાયનો હલ કેમ લાવી શક્યા નથી તેવા આક્ષેપો કર્યા હતા. વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ માછીમારોના પ્રશ્ને દરમ્યાનગીરી કરતાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર તત્કાલિન યુ.પી.એ. સરકાર સામે વર્ષ ર૦૧૩માં સવાલ મૂક્યો હતો અને કેન્દ્ર કોંગ્રેસ સરકારે રાજ્યની ગુજરાત સરકારને હળહળતો અન્યાય કર્યો એવું કહીને બહુ ધોલ મારી, પરંતુ કેન્દ્રમાં ૪પ મહિનાથી ભાજપનું શાસન છે. આ ગરવા ગુજરાતના ગૃહના તત્કાલિન નેતા આજે દેશના પ્રધાનમંત્રી છે. છતાં બીપીએલનો મુદ્દો હટાવીને માછીમારોને ન્યાય આપ્યો નથી. માછીમારો બીપીએલની યાદીમાં આવતા નથી. તે બીપીએલની શરત દૂર કરીને શા માટે બોટો માટે ડીઝલ રાહત દરે આપવામાં આવતું નથી. આ સવાલો ભાજપ સરકારે જ યુપીએના શાસનના છેલ્લા વર્ષમાં કર્યા હતા. ભાજપ સરકારે ૪પ મહિનાના શાસન પછી પણ માછીમારોને ન્યાય આપયો નથી. આ શરત જો ન હટાવી શકાતી હોય તો તેના કારણો ગૃહને અને ગુજરાતની જનતાને જણાવે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.