Gujarat

ઉપલેટાના પ્રાંસલા ખાતે શિબિરમાં પ્રચંડ આગમાં ત્રણ કિશોરી ભડથું : ર૧ ગંભીર

(સંવાદદાતા દ્વારા)
જૂનાગઢ/વઢવાણ, તા.૧૩
ઉપલેટા તાુકાના પ્રાંસલા ખાતે રાષ્ટ્રકથા શિબિરમાં શુક્રવારે મોડી રાત્રિના શોર્ટ સર્કિંટના કારણે ટેન્ટમાં ભીષણ આગ લાગતા ૩ વિદ્યાર્થિની ભડથુ થતાં અરેરાટી વ્યાપી ગઈ છે. જ્યારે ૩૮ જેટલા શિબિરાર્થીઓને ઈજા થતા તાત્કાલિક સારવાર માટે ખસેડાયે છે. આર્મીના જવાનો, નેવીની ટીમ, એનડીઆરએફ સહિતનિ ટીમોએ તાત્કાલિક દોડી જઈને બચાવકાર્ય હાથ ધરતાં મોટી જાનહાની ટળી હતી. આ આગમાં સાયલા તાલુકાના ધમરાપરા ગામની વનિતા સવશી જમોડ (ઉ.૧૬), જસદણ તાલુકાના આંબરડી ગામની કિંજલ અરજણ શિયાળ (ઉ.વ.૧૪) અને મોરબી પંથકની આશ્રમ શાળામાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિની આ આગમાં મોતને ભેટતા ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. રાજકોટ જિલ્લાના ઉપલેટાથી ૩૦ કિમી દૂર આવેલ પ્રાંસલામાં ચાલી રહેલી રાષ્ટ્રકથા શિબિરમાં વિદ્યાર્થિનીઓના ટેન્ટમાં ગત મોડી રાત્રે શોટ સર્કિંટના કારણે અચાનક આગ લાગી ઉઠી હતી. આ દુર્ઘટનામાં ૬૦-૭૦ જેટલા ટેન્ટ બળીને ખાખ થયા હતા. જેમાં શિબિરમાં ભાગ લેવા આવેલ ત્રણ કિશોરી ભડથું થઈ ગઈ હતી. આગજનીની આ ઘટનામાં ૧પ જેટલી કિશોરીઓ દાઝી જતાં ધોરાજી, પોરબંદર અને ઉપલેટા સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાંં આવી હતી. સ્વામી ધર્મબંધુજી મહારાજ દ્વારા આયોજીત આ કેમ્પમાં ૧૦૦૦૦થી વધુ શિબિરાર્થીઓ હતા ત્યારે સ્થળ ઉપર હાજર અર્ધલશ્કરી દળ, આર્મી અને નેવીના જવાનોની ત્વરીત કામગીરીથી મોટાભાગના શિબિરાર્થીઓનો બચાવ થયો હતો. આ બનાવની પ્રાપ્ત જાણકારી મુજબ શુક્રવારની મોડી રાત્રિના જ્યાં વિદ્યાર્થિનીઓ સુતી હતી ત્યાં શોર્ટ સર્કિંટના કારણે આગ ભભૂકી ઉઠી હતી. આગ ઉપર યુદ્ધના ધોરણે કાબુ મેળવી લેવાયો હતો પરંતુ આગનું સ્વરૂપ એટલું વિકરાળ હતું કે ગણતરીની મિનિટોમાં ૬૦ જેટલા કેમ્પ અને ૩૦૦ વિદ્યાર્થિનીઓનો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો હતો. બચાવ કામગીરી કરતા આર્મી, એનડીઆરએફ અને નેવીના જવાનોએ શિબિર સ્થળ આસપાસ સર્ચ ઓપરેશન કરીને કિશોરીઓને સલામત સ્થળે ખસેડી હતી. આ બનાવની જાણ થતાં રાજકોટ જિલ્લા કલેકટર વિક્રાંત પાંડે અને જિલ્લા પોલીસવડા અંતરીપ સુદ પણ પ્રાંસલ ખાતે દોડી ગયા હતા. ધોરાજી, ઉપલેટા ઉપરાંત પોરબંદરથી પણ ફાયર ફાઈટરો બોલાવવામાં આવ્યા હતા. તેમજ આગના કારણે દાઝી ગયેલી કિશોરીઓ અને નાશભાગમાં જેઓને ઈજા થઈ હતી. તેઓને હોસ્પિટલે પહોંચાડવા માટે ૧૦૮ સહિત ૪૦ જેટલી એમ્બ્યુલન્સ વ્યવસ્થા પણ કરવામાં આવી હતી અને ઈજાગ્રસ્તોને તાકીદે નજીકના શહેરની હોસ્પિટલમાં પહોંચાડી ઝડપથી સારવાર શરૂ કરાવવામાં આવી હતી.

લેમ્પ કાઢી મોબાઈલ ચાર્જ કરતાં
શોર્ટસર્કિટ થતાં આગ લાગી : પ્રત્યક્ષદર્શી

પ્રાંસલાની શિબિરમાં લાગેલી આગ મામલે પ્રત્યક્ષદર્શી વિદ્યાર્થિનીએ આ આગ લેમ્પ કાઢી ત્યાં ચાર્જર ભરાવવા જતા શોટસર્કિટ આગ લાગી હોવાનું જણાવ્યું હતું. પ્રાંસલા ખાતેની શિબિરમાં લાગેલી આગ સમયે સ્થળ પર ઉપસ્થિત અને આગમાંથી બચી ગયેલી મોરબીની વિદ્યાર્થિની કૃપા સોલંકી કે જેણે આ સમગ્ર દૃશ્યને પોતાની આંખે નિહાળ્યું હતું તેણે જણાવ્યું કે રાત્રીના સાંસ્કૃતિક કાર્યક્રમ પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓ સુવા માટે ગયા હતા ત્યારે સુરતની બે છોકરીઓએ લેમ્પ કાઢીને ત્યાં મોબાઈલ ચાર્જ કરવા મુકયા હતા. જેથી શોર્ટસર્કિટ થતા આગ લાગી હતી. જો કે મૃતક કૃપાલી સૂઈ ગઈ હતી અને તેને બહાર પણ કાઢવામાં આવી હતી. પરંતુ તેનો સામાન અંદર રહી ગયો હોવાથી પરત લેવા જતા તે આગની ઝપેટમાં આવી ગઈ હતી અને તેનું કરૂણ મોત નીપજયું હતું.

પ્રાંસલામાં મૃત્યુ પામનાર માટે
ચાર લાખની સહાયની જાહેરાત

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજકોટ જિલ્લાના પ્રાંસલા ખાતેની રાષ્ટ્રકથા શિબિરમાં લાગેલી આગની દુર્ઘટના પ્રત્યે દુઃખ વ્યકત કરી આ સમગ્ર ઘટનાની તપાસ માટે રાજકોટ કલેકટરને આદેશો આપ્યા છે. મુખ્યમંત્રીએ આ આગ દુર્ઘટનામાં જાન ગુમાવનારી ૩ નિર્દોષ શિબિરાર્થી દીકરીઓ પ્રત્યે સંવેદના વ્યકત કરી તેમના પરિવારજનોને મુખ્યમંત્રી રાહતનિધિમાંથી ચાર લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે. વિજય રૂપાણીએ આ આગની ઘટનાની જાણકારી મળતા જ રાજકોટ જિલ્લા વહીવટી તંત્રને બચાવ અને મદદ માટે સતર્ક કર્યું હતું અને વિગતવાર માહિતી મેળવી હતી. આ ઉપરાંત જાણવા મળ્યા મુજબ જયાં શિબિર યોજાઈ હતી. તેના આયોજક સ્વામી ધર્મબંધુ મહારાજે પણ મૃતકોના પરિવારજનોને રૂા. ૧ લાખની સહાય આપવા જાહેરાત કરી હતી.

કિશોરીઓ ડરની મારી થરથર કાંપતી હતી…..

ઉપલેટાથી ૩૦ કિલોમીટર દૂર આવેલા પ્રાંસલા ખાતે ભયાનક આગની દુર્ઘટનામાં ગંભીર દાઝી ગયેલી તેમજ માંડ માંડ બચી ગયેલી કિશોરીઓને આર્મીના જવાનોએ જયારે બચાવી ત્યારે ડરના માર્યા રીતસરની થરથર કાંપતી હતી. આર્મીના જવાનોએ સૌપ્રથમ તો કિશોરીઓને સલામત સ્થળે ખસેડી હતી અને ત્યારબાદ તેઓના મનમાંથી ડર દૂર કરવા માટે ખાસ પ્રકારે કાઉન્સેલીંગ કરવાની ફરજ પડી હતી. જો કે, કિશોરીઓના માનસપટ પર આગની જવાળાઓની ભયાવહતા સ્પષ્ટ વર્તાતી હતી. જે જોઇ સત્તાધીશોએ ખુદ દુર્ઘટનાની ગંભીરતા સ્વીકારી હતી.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    GujaratHarmony

    ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિ.માં કોમી એકતાનો અનોખો કિસ્સો મુસ્લિમ મિત્રોની મદદથી સુરતનો ચંદન મોત સામેનો જંગ જીતી ગયો

    માતા-પિતાના અવસાન બાદ બે બહેનોન…
    Read more
    Gujarat

    વટામણ-ધોલેરા હાઇવે પર ભોળાદ ગામ નજીક કાર-ટ્રક વચ્ચે સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં અમદાવાદના એક જ પરિવાના ચારનાં મોત

    શાહપુર વિસ્તારના લોકો ઇદ નિમિત્તે…
    Read more
    CrimeGujarat

    સુરતના VR મોલને મળ્યો ધમકીભર્યો મેઈલ જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે

    પોલીસે બે હજારથી વધુ લોકોને બહાર…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.