(એજન્સી) નવી દિલ્હી, તા.૧૧
કોગ્રેસના આગેવાની વાળા વિપક્ષે ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે પશ્ચિમ બંગાળના પૂર્વ રાજ્યપાલ અને મહાત્માં ગાંધીના પૌત્ર ગોપાલકૃષ્ણ ગાંધી પર પસંદગીનો કળશ ઢોળ્યો છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની આગેવાનીમાં મંગળવારે થયેલી વિપક્ષી પાર્ટીઓની બેઠકમાં સર્વસંમતિથી ગોપાલકૃષ્ણ ગાંધીને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો. બેઠક બાદ સોનિયા ગાંધીએ જાહેરાત કરી કે ૧૮ વિપક્ષી પાર્ટીઓએ ગોપાલકૃષ્ણ ગાંધીને ઉમેદવાર બનાવવાની સંમતિ આપી છે. સોનિયાએ કહ્યું કે અમે ગોપાલકૃષ્ણ ગાંધી સાથે વાત કરી છે. તેમણે આ વાત પર સહમતી વ્યક્ત કરી છે. ગોપાલકૃષ્ણ ગાંધીનું નામ રાષ્ટ્રપતિ પદની દોડમાં સૌથી આગળ હતું. જોકે ભાજપ દ્વારા રામનાથ કોવિંદનું નામ આગળ વધારવામાં આવતાં વિપક્ષે પણ પોતાની રણનીતિ બદલીને મીરા કુમારને મેદાનમાં ઉતાર્યાં હતા. ગોપાલકૃષ્ણ ગાંધીને આ નિર્ણયની જાણ કરવામાં આવી હતી. ગાંધીએ પણ કહ્યું હતું કે જો તમામ પાર્ટીઓ મારા નામ પર સહમત હોય તો તેઓ તૈયાર છે. ત્યાર બાદ નેતાઓએ ગાંધીના નામાંકનના કાગળો પર હસ્તાંક્ષર કર્યાં હતા. વિપક્ષી બેઠકની એક ખાસ વાત એ રહી કે તેમાં જેડીયુ પણ સામેલ થયું હતું. રાષ્ટ્રપતિ ઉમેદવાર પર જેડીયુએ કોવિંદને સમર્થન આપતાં તેણે અલગ રસ્તો અપનાવ્યો છે. પાર્ટી વતી શરદ યાદવ બેઠકમાં હાજર રહ્યાં હતા. બેઠકમાં પૂર્વ વડાપ્રધાન મનમોહસિંહ, ડાબેરી નેતા સીતારામ યેચુરી, એનસીના ઓમર અબ્દુલા, એસપી નેતા નરેશ અગ્રવાલ, બીએસપી નેતા સતીષ મિશ્રા ઉપસ્થિત રહ્યાં હતા. બેઠકની શરૂઆતમાં નેતાઓએ અમરનાથ યાત્રીઓ પર થયેલા હુમલાની ઉગ્ર નિંદા કરી હતી. અને મૃતકોને શ્રદ્ધાંજલિ આપતાં એક મિનિટનુ મૌન પાળવામાં આવ્યું હતું. બેઠકમાં ખેડૂતોની આત્મહત્યા, જીએસટીની અસર, ચીન સાથેનો વિવાદ જેવા મુદ્દે વાતચીત કરી હતી. તે ઉપરાંત વિપક્ષી દળોએ એવો પણ મત પ્રગટ કર્યો કે મોદી સરકાર કેન્દ્રીય એજન્સીઓનો દુરપયોગ કરીને રાજકીય બદલો લઈ રહી છે. હાલમાં લાલપ્રસાદ યાદવના પરિવાર અને સંપત્તિ પર સીબીઆઈ રેડ પડી હતી. વિપક્ષી પાર્ટીઓએ આક્ષેપ કર્યો કે મોદી સરકાર રાજ્યોના રાજ્યપાલો દ્વારા સંઘીય માળખાને નુકશાન પહોંચાડી રહી છે. પાર્ટીઓએ એવો નિર્ણય કર્યો કે આ વિવિધ મુદ્દો પર કેન્દ્ર સરકારને સંસદથી માંડીને સડક સુધી અને ત્યાં સુધી કે સોશિયલ મીડિયા પર તેની ઘેરાબંધી કરવામાં આવે. ઉલ્લેખનીય છે કે જો ઉપરાષ્ટ્રપતિ પદ પર સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે સર્વસંમતિ ન સધાય તો ૫ ઓગસ્ટના રોજ ચૂંટણી થશે અને તે જ દિવસે પરિણામ પણ જાહેર કરી દેવામાં આવશે. સૌથી પહેલા ડાબેરી પાર્ટી દ્વારા રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે ગોપાલકૃષ્ણ ગાંધીના નામનુ સૂચન કરવામાં આવ્યું હતું. ભાજપની આગેવાની વાળા એનડીએ હજુ સુધી ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર કર્યાં નથી.
આપણે ભારત વિશે કડવું સત્ય બોલનાર રાષ્ટ્રપતિની જરૂર છે : ગોપાલકૃષ્ણ ગાંધી
વિપક્ષી પાર્ટીઓ દ્વારા ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવેલા ગોપાલકૃષ્ણ ગાંધીએ આ અંગે પ્રતિક્રિયા વ્યક્ત કરતાં એવું જણાવ્યું કે આજે આપણે ભારત વિશે કડવું સત્ય બોલનાર રાષ્ટ્રપતિની જરૂર છે. ઇતિહાસ અને રાજનીતિના ખ્યાતનામ પ્રોફેસર એવા ગોપાલકૃષ્ણ ગાંધીએ કહ્યું કે જાતિ અને ધર્મથી રાજનીતિથી ઉપર ઉઠવાની જરૂર છે અને આપણે ભારત વિશે કડવુ બોલી શકે તેવા રાષ્ટ્રપતિની જરૂર છે. સોનિયા ગાંધીની આગેવાનીમાં મંગળવારે થયેલી વિપક્ષી પાર્ટીઓની બેઠકમાં સર્વસંમતિથી ગોપાલકૃષ્ણ ગાંધીને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગાંધીને આ નિર્ણયની જાણ પણ કરી દેવામાં આવી છે. તેમણે પોતે કહ્યું હતું કે જો વિપક્ષી પાર્ટીઓ મારા નામ પર સહમતી વ્યક્ત કરે તો તેઓ ચૂંટણી લડવા માટે તૈયાર છે.