(એજન્સી) નવી દિલ્હી, તા.૪
ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીના એક દિવસ પહેલાં શાસક પક્ષ એનડીએ સાંસદોને મત કઈ રીતે આપવો એ શિખવવા માટે ‘ડમી વોટ’ અર્થાત મતદાનનું રિહર્સલ કરાવવા વર્કશોપ યોજાઈ હતી. જેથી આજે થનાર ચૂંટણીમાં અમાન્ય મતોને ઘટાડી શકાય. રાષ્ટ્રપતિની ચૂંટણી વખતે ર૧ સાંસદોએ અમાન્ય મતો આપ્યા હતા જેથી એમના મતો રદ ગણાયા હતા. એમને ચૂંટણી પહેલાં સમજાવવામાં આવ્યું હોવા છતાંય ખોટી રીતે મતો આપ્યા હતા. આજની મીટિંગમાં સાંસદોને મત આપવાની પદ્ધતિ શીખવવામાં આવશે. પક્ષની મીટિંગમાં અમિત શાહે આશ્ચર્ય વ્યકત કર્યું હતું કે કેટલા બધા સાંસદોએ ખોટી રીતે મત આપ્યા હતા. એઆઈએડીએમકે, તેલંગાણાના રાષ્ટ્ર સમિતિ અને જગત મોહન રેડ્ડીના સાંસદો પણ આ મીટિંગમાં ભાગ લેવાના છે. જો કે, એમનો પક્ષ એનડીએનો ભાગ નથી પણ એમણે નાયડુને સમર્થન આપવાની જાહેરાત અગાઉથી જ કરી છે. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં ફકત લોકસભા અને રાજ્યસભાના સાંસદો જ મત આપી શકે છે. હાલમાં એનડીએનું પલડું ભારે છે પણ ફકત ખોટી રીતે અપાયેલ મતો જ અવળા પરિણામો દર્શાવી શકે છે. નાયડુની સામે વિરોધ પક્ષોએ ગોપાલ ક્રિશ્ન ગાંધીને ચૂંટણીમાં ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે.