ટીવી ચેનલ સુદર્શન ન્યૂઝે તેના તંત્રી સુરેશ ચવ્હાણકેના ટ્‌વીટર હેન્ડલ દ્વારા શેર કરીને ૨૮,ઓગસ્ટથી રોજ રાત્રે ૮ વાગ્યે રિલીઝ માટે નિર્ધારિત પ્રોગ્રામ બિન્દાસ્ત બોલનો ૪૫ સેકન્ડનો એક પ્રોમો પોસ્ટ કર્યો હતો. શુક્રવારે દિલ્હી હાઇકોર્ટે આ એપિસોડના પ્રસારણ સામે મનાઇ હુકમ આપ્યો હતો.
સુદર્શન ન્યૂઝના તંત્રી ચવ્હાણકેએ ૨૬,ઓગસ્ટે પોતાના શો બિન્દાસ્ત બોલનું એક ટ્રેલર આ રીતે ટ્‌વીટ કર્યુ હતું જેમાં તેણે હેશટેક યુપીએસસી જેહાદની સાથે બ્યુરોક્રેસી એટલે કે નોકરશાહીમાં મુસ્લિમોની ઘૂસણખોરીના ષડયંત્રના મોટો ઘટસ્ફોટ કરવાનો દાવો કર્યો હતો.આ પ્રોમોમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે રાષ્ટ્ર વિરૂદ્ધ એક સાઝિશમાં મુસ્લિમ ઉમેદવારોએ ખૂબ જ ઊંચા માર્ક સાથે મોટી સંખ્યમાં સિવિલ સર્વિસમાં ઘૂસણખોરી કરી છે અને તે માટે તેણે યુપીએસેસી જેહાદ કે બ્યુરોક્રેસી જેહાદ એવું નામ આપ્યું હતું.
સનદી સેવકોના ધર્મને ઉછાળવો એ ગેરકાયદે કૃત્ય છે
કોઇ પણ સનદી સેવકનો ધર્મ એ તેમની અંગત બાબત છે. ઓલ ઇન્ડિયા સર્વિસીઝ (કોન્ડક્ટ) રૂલ્સ ૧૯૬૮ના રૂલ-૩ હેઠળ ભારત સરકારના નિર્ણયો અનુસાર સનદી સેવકોએ જાહેરમાં એવી વર્તણૂંક કરવી જોઇએ કે જેથી તેઓ પોતાની સત્તાવાર કામગીરી કે વ્યવહારમાં કોઇ ચોક્કસ ધર્મના લોકોની તરફેણ કરી શકે છે તેવી છાપ ઊભી થવા માટે કોઇ અવકાશ ન રહે.
આ ઉપરાંત તેમણે બંધારણની અને લોકતાંત્રીક મૂલ્યોની સર્વોપરીતાનું જતન કરવું જોઇએ. સુપ્રીમકોર્ટે કેશવાનંદ ભારતી કેસમાં આ વાત ઠરાવી હતી અને એસ આર બોમાઇ વિરૂદ્ધ ભારતીય સંઘના કેસમાં દોહરાવ્યું હતું કે સેક્યુલરિઝમ બંધારણના મૂળભૂત માળખામાં અંતર્ગત રીતે વણાયેલ છે. પરંતુ ટીવી ચેનલે આ વિષયને છેડતા અમને આ મુદ્દે હકીકતોથી તેનો પ્રતિકાર કરવાની પરજ પડી છે. સનદી સેવામાં ન્યાયિક, ખુલ્લી પરીક્ષા દ્વારા મેરીટ્‌સના આધારે પસંદગી મારફતે ભરતી કરવામાં આવે છે. પસંદ કરાયેલા ઉમેદવારો ૧૦૦ ટકા સંખ્યામાં મસ્લિમ હોય તો પણ આ અંગે ફરિયાદ કરવાનું કોઇ યોગ્ય કારણ હોઇ શકે નહીં.
૨૦૧૯ની પરીક્ષામાં પસંદ થયેલા ૮૨૯ ઉમેદવારોમાંથી ૩૫ મુસ્લિમો હતાં જે ટકાવારીની દૃષ્ટિએ ૪.૨૨ ટકા થવા પામે છે. ભારતની ૨૦૧૧ની વસ્તી ગણતરીના આધારે ટકાવારી ૧૪.૨ ટકા થવા પામે છે. આમ વસ્તીની ગણતરીએ પણ તેમની સંખ્યા ઘણી ઓછી હોવાથી પણ અપ્રમાણસર પસંદગીનો આરોપ સીધો જ ઉડી જાય છે. એમ કહી શકાય કે તેમનું પ્રતિનિધિત્વ ઓછું છે. જ્યારે ૨૦૧૮માં સફળ થયેલા ૭૫૯ ઉમેદવારોમાંથી માત્ર ૨૦ ઉમેદવારો જ મુસ્લિમ હતાં અને ટકાવારી ૨.૬૪ ટકા હતી. ૨૦૧૭માં ૮૧૦ સફળ ઉમેદવારોમાંથી ૪૧ મુસ્લિમ હતાં અને તેમની ટકાવારી ૫.૦૬ ટકા હતી. પ્રથમ ૧૦૦ ઉમેદવારોમાં માત્ર ચાર જ મુસ્લિમ છે. આમ મુસ્લિમ ઉમેદવારોની પસંદગીમાં કશુ અસાધારણ નથી કે આક્ષેપ કર્યા મુજબ તેમની ટકાવારીમાં એકાએક વધારો થયો નથી. આ ઉપરાંત ટ્રેલરમાં ચેનલ દ્વારા પોતાના આક્ષેપોના સમર્થનમાં કોઇ વિશ્વસનીય પુરાવો રજૂ કરાયો નથી. જ્યારે કેટલાક સર્વિસ એસોસિએશન દ્વારા સોશિયલ મીડિયા પર તેની ટીકા માટે તેમને કોઇ અધિકાર નથી. આથી સુદર્શન ન્યૂઝ પ્રોમો સામે ભડકાઉ ભાષણ બદલ કાનૂની કાર્યવાહી કરવી જોઇએ. ભડકાઉ ભાષણના પ્રથમ બે ઘટકોમાં હાંસિયામાં ધકેલી દેવા અને અમાન્ય ઠરાવવાના પ્રયાસો છે. આમ સનદી સેવામાં કેટલાક સફળ મુસ્લિમ ઉમેદવારોની પસંદગી મેરીટ્‌સના આધારે થઇ નથી એવો આક્ષેપ કરવો એ તેમને અમાન્ય ગણવા અને પાછળથી તેમને હાંસિયામાં ધકેલી દેવાના પ્રયાસ સમાન છે. ત્રીજુ ઘટક સામાજિક દરજ્જો અને સ્વીકૃતિને ઘટાડવાનું છે. ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ અહમદનગરની અદાલતમાં સુદર્શન ન્યૂઝના સુરેશ ચવ્હાણકેે વિરૂદ્ધ ખાનગી ફરીયાદ દાખલ કરવામાં આવી છે.સેંકડો પત્રકારો, ફિલ્મ દિગ્દર્શકો, વકીલો અને સિવિલ સોસાયટીના સભ્યોએ સાત મુખ્ય પ્રધાનોને પત્ર લખીને તેમની વિરૂદ્ધ ભારત પર આ પ્રકારના હસ્યાસ્પદ અને વિસંગત હુમલા બદલ કેસ દાખલ કરવાની માગણી કરી છે. આમ છેતરપિંડી અને રાષ્ટ્ર વિરૂદ્ધની સાઝીશ દ્વારા આઇપીએસમાં બિનકાર્યક્ષમ મુસ્લિમ અધિકારીઓએ ઘૂસણખોરી કરી છે એવી વાત બિનમુસ્લિમ આઇપીએસ અધિકારીઓના ગળે ઉતારવાનો પ્રયાસ કરીને ચેનલ આ પ્રકારના અધિકારીઓની નિમણૂંક કરતી સરકાર સામે રાજદ્રોહ કરી રહી છે. આમ યુપીએસસીનું કૃત્ય ગેરવાજબી અને અનુચિત હોવાનો અને રાષ્ટ્રીય હિત વિરૂદ્ધ સાઝીશના ભાગરૂપ હોવાનો આરોપ કરવો એ સ્પષ્ટપણે બદનક્ષીકારક છે.તેથી યુપીએસસીને પણ આ ચેનલ સામે કાનૂની કાર્યવાહી કરવાનો અધિકાર છે. એ જ રીતે જામીયા જેવી ૧૦૦ વર્ષ જૂની સેન્ટ્રલ યુનિવર્સિટી પર જેહાદી પેદા કરવાનો આરોપ પણ (જામીયા કે જેહાદી) બદનક્ષીકારક છે. તેમની પાસે આ પ્રકારના નિવેદન માટે કોઇ પુરાવા નથી. યુનિવર્સિટીએ શિક્ષણ મંત્રાલયને લખીને કોમવાદી બદનક્ષીનો ઉપયોગ કરીને યુનિવર્સિટીની પ્રતિભાને લાંછન લગાડવા માટે કાર્યવાહી કરવાની માગણી કરી છે.
આમ યુપીએસસી જેહાદની વાત કરવી એ પ્રશાસનમાં મુસ્લિમોની સામેલગીરીને અમાન્ય ઠરાવવાનો બેબુનિયાદ પ્રયાસ છે. સુદર્શન ન્યૂઝ સામે આ પ્રકારના શોનું પ્રસારણ કરવાનો પ્રયાસ બદલ તેમને કાનૂની રીતે જવાબદાર ઠેરવવાની જરૂર છે. સુદર્શન ન્યૂઝ ચેનલે વિડિયોમાં જામીયા રેસિડન્શિયલ કોચિંગ એકેડેમીમાંથી અભ્યાસ કરીન ેયુપીએસસીની પરીક્ષા પાસ કરનારાઓને જામિયાના જેહાદી ગણાવ્યાં હતાં અને તેથી જામિયા મિલ્લિયા ઇસ્લામિયાએ કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયને પત્ર લખીને યુનિવર્સિટીની છબીને કલંકિત કરવા માટે સુદર્શન ન્યૂઝ ચેનલ અને તેના મુખ્યતંત્રી સુરેશ ચવ્હાણકે સામે કાર્યવાહી કરવાની માગણી કરી છે.
– ડો.એન સી અસ્થાના
(ડો.એન સી અસ્થાના નિવૃત્ત આઇપીએસ અધિકારી છે. તેમના મંતવ્યો અંગત છે)
(સૌ. ધ વાયર.ઈન)