(એજન્સી)
નવી દિલ્હી, તા.૪
યુપીએસસી દ્વારા આઈએએસ, આઈએફએસ, આઈપીએસ અને અન્ય પદો પર ઉમેદવારોની પસંદગી માટે લેવાતી સિવિલ સર્વિસની પરીક્ષાનું રવિવારે આયોજન કરવામાં આવ્યું હતું. સિવિલ સર્વિસની પ્રિલિમ પરીક્ષામાં પ્રવેશ નહીં મળતાં દિલ્હીના એક વિદ્યાર્થીએ આત્મહત્યા કરી લીધી છે.
અહેવાલ મુજબ સંઘ લોકસેવા આયોગ દ્વારા લેવામાં આવતી સિવિલ સર્વિસની પ્રિલિમ પરીક્ષામાં પ્રવેશ ન અપાતા નવી દિલ્હીના રાજેન્દ્રનગરમાં રહેતા વરૂણે આત્મહત્યા કરી લીધી છે. વરૂણના ઘેરથી મળેલ સુસાઈડ નોટમાં લખ્યું છે કે, નિયમો ઠીક છે પરંતુ થોડીક ઉદારતા પણ હોવી જોઈએ. જો કે, હમણાં મોત અંગેના કારણોનો સંપૂર્ણ ખુલાસો થયો નથી. નોંધનીય છે કે યુપીએસસી દ્વારા દેશભરમાં સિવિલ સર્વિસીસની પ્રિ-પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દેશભરમાંથી ૩ લાખ ઉમેદવારોએ ભાગ લીધો. આ પરીક્ષા આઈએએસ, આઈપીએસ, આઈએફએસ અને અન્ય પદો પર ઉમેદવારોની પસંદગી માટેની કાર્યવાહી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, દર વર્ષે યુપીએસસી ત્રણ તબક્કામાં પરીક્ષાનું આયોજન કરે છે જેમાં પ્રિલિમ્સ, મેઈન અને ઈન્ટરવ્યુ સામેલ છે. ત્રણેય પરીક્ષાઓ પાસ કર્યા બાદ ઉમેદવારોની આઈએએસ, આઈપીએસ અને આઈએફએસના પદ માટે પસંદગી કરવામાં આવે છે.