(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૮
યુપીએસસીની પરીક્ષઆમાં સેકન્ડ રેન્ક મેળવનારી હરિયાણાની ૩૧ વર્ષીય અનુ કુમારી મહિલાઓમાં આ પ્રતિષ્ઠીત પરીક્ષામાં સૌથી ટોપ પર છે. યુપીએસસીની પરીક્ષામાં તેલંગાણાનો દુરિશેટ્ટી અનુદીપે દેશમાં પહેલો નંબર મેળવ્યો છે. ૪ વર્ષના પુત્રની માતા અનુ કુમારીએ બીજા પ્રયાસમાં આ સફળતા હાંસલ કરી છે. અગાઉની યુપીએસસી પ્રિલિમિનરી એક્ઝામિનેશનમાં અનુકુમારી માત્ર એક માર્કથી રેન્ક ચુકી ગઇ હતી. આ સમર્પિત માતા માત્ર તેની ઘરેલું જવાબદારીઓ પુરી કરતી નથી પરંતુ દરરોજ ૧૦-૧૨ કલાક અભ્યાસ પણ કરતી હતી. હરિયાણાના મુખ્ય પ્રધાન મનોહરલાલ ખટ્ટરે પણ ટિ્‌વટ કરીને અનુ કુમારીને શુભેચ્છા પાઠવી છે અને તેમણે લખ્યું કે તેમને આશા છે કે હરિયાણાની છોકરીઓ અનુ કુમારીની સફળતાથી પ્રેરણા મેળવશે.
હરિયાણાના સોનિપતની સેકન્ડ રેન્ક હોલ્ડર અનુ કુમારીએ જણાવ્યું કે હું પરીક્ષાની જ્યાં તૈયારીઓ કરી રહી હતી એ ગામમાં કોઇ અખબાર પણ આવતું નથી. યુપીએસસીની પરીક્ષાની તૈયારીઓ કરવા માટે અનુ કુમારીએ ઓનલાઇન મટિરિયલ એકત્રિત કર્યુ હતું. યુપીએસસી સિવિલ સર્વિસિસ એક્ઝામમાં સફળતા હાંસલ કરવાનો મંત્ર શેર કરતા અનુ કુમારીએ કહ્યું કે જીવનમાં કંઇ પણ હાંસલ કરવા માટે મજબૂત ઇરાદો જરુરી છે અને જો તમે એ કરવા માટે સક્ષમ છો તો સફળતા હાંસલ કરવાથી તમને કોઇ પણ અટકાવી શકશે નહીં.
અનુએ એવું પણ કહ્યું કે આઇએએસ અધિકારી બન્યા બાદ દેશમાં મહિલાઓની સુરક્ષા તેની ટોચની પ્રાથમિકતા હશે. યુપીએસસીની પરીક્ષામાં પહેલો નંબર મેળવનાર તેલંગાણાનો દુરિશેટ્ટી અનુદીપની જેમ અનુ કુમારીએ પણ પરીક્ષાની તૈયારીઓ કરવા માટે કોઇ કોચિંગ ક્લાસમાં ગઇ નથી. અનુ કુમારીએ દિલ્હી યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો છે. દિલ્હી યુનિવર્સિટીની હિન્દુ કોલેજથી ફિઝિક્સમાં ગ્રેજ્યુએશન કર્યું છે અને આઇએમટી નાગપુરથી એમબીએ કર્યું છે.
શુક્રવારે મોડી સાંજે યુપીએસસીની પરીક્ષાના પરિણામ જાહેર કરવામાં આવ્યા હતા. હૈદરાબાદનો દુરિશેટ્ટી પહેલા, અનુ કુમારી બીજા, સિરસાના સચિન ગુપ્તા ત્રીજા અને બિહારના અતુલે ચોથો નંબર મેળવ્યો છે.
યુપીએસસી રિઝલ્ટ ૨૦૧૭ : યુપીએસસી
પરીક્ષાના ટોપ ૩ રેન્ક હોલ્ડર્સને મળો
(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૮
યુપીએસસીએ શુક્રવારે સાંજે તેની સત્તાવાર વેબસાઇટ પર સિવિલ સર્વિસિસ એક્ઝામ ૨૦૧૭ના ફાઇનલ રિઝલ્ટની જાહેરાત કરી હતી. જાહેર કરાયેલા રિઝલ્ટની પરીક્ષા જૂન ૨૦૧૭માં લેવામાં આવી હતી. ૨૦૧૭ની યુપીએસસી પ્રિલિમિનરી એક્ઝામિનેશન માટે ૯.૫ લાખથી વધુ ઉમેદવારોએ અરજી કરી હતી અને તેમનામાંથી ૪,૫૬,૬૨૫ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. યુપીએસસીની પરીક્ષામાં પ્રથમ ૩ રેન્ક મેળવનારાઓમાંં દુરીશેટ્ટી અનુદીપ, અનુ કુમારી અને સિચન ગુપ્તાનો સમાવેશ થાય છે.
૧. દુરીશેટ્ટી અનુદીપ :- પ્રથમ નંબરે આવેલા તેલંગાણાના હૈદરાબાદના દુરીશેટ્ટી અનુદીપ ઓબીસી કેટેગરીનો છે અને પરીક્ષામાં તે સૌથી ટોપ પર રહ્યો છે. દુરીશેટ્ટી અનુદીપે જણાવ્યું કે આ તેનો પાંચમો પ્રયાસ હતો. આ પહેલા તે ત્રણ વાર ફેલ થયો છે. પ્રથમ રેન્ક મેળવવાની તેની યાત્રા સરળ ન હતી. દુરીશેટ્ટીએ બીઆટીએસ પિલાનીમાં એન્જીનીયરિંગનો અભ્યાસ કર્યો છે અને ગૂગલ માટે તેણે કામ કર્યું છે. હાલમાં તે હૈદરાબાદમાં આસિસ્ટન્ટ ટેક્સ કમિશનર તરીકે પોતાની સેવાઓ આપી રહ્યો છે. ૨૦૧૨માં દુરીશેટ્ટીએ યુપીએસસીની પરીક્ષાની તૈયારીઓ શરુ કરી હતી.
૨. સેકન્ડ રેન્ક મેળવનારી અનુ કુમારી : – અનુ કુમારીએ દિલ્હી યુનિવર્સિટીથી ગ્રેજ્યુએશન કર્યું છે અને યુપીએસસીની પરીક્ષામાં સમગ્ર દેશમાં બીજો નંબર મેળવ્યો છે.
૩. થર્ડ રેન્ક મેળવનાર સચિન ગુપ્તા :- સચિન ગુપ્તા હરિયાણાના સિરસા જિલ્લાનો વતની છે અને યુપીએસસીની ૨૦૧૭ની પરીક્ષામાં સચિને ૩જો નંબર મેળવ્યો છે. સચિને પોતાનો એન્જીનીયરિંગનો અભ્યાસ પુરો કર્યા બાદ પટિયાલાની થાપર યુનિવર્સિટીથી મેકેનિકલ એન્જીનીયરિંગની ડિગ્રી મેળવી છે.

UPSC : ચાવાળાનો પુત્ર બન્યો IAS, વ્યાજે રૂપિયા લઈને પૂરો કર્યો અભ્યાસ

(એજન્સી) જયપુર, તા. ર૮
રાજસ્થાનના જેસલમેરમાં રહેતા દેશનદાને આઈ.એ.એસ.માં ૮રમો ક્રમાંક મેળવીને પોતાના ઘર-પરિવાર, સમાજ અને જિલ્લાનું પણ નામ રોશન કર્યું છે. દેશલદાનના પિતા ચા વેચવાનું કામ કરે છે. આ યુવકે સાબિત કરી દીધું કે ભલે તેની પાસે સંસાધનો નથી, પરંતુ સફળતા માટે જુસ્સાની જરૂરિયાત હોય છે રૂપિયાની નહીં. દેશલદાનના અભ્યાસ દરમ્યાન તેના પિતાએ વ્યાજે રૂપિયા લઈને પણ તેના શિક્ષણને સતત ચાલુ રાખ્યું અને હવે તે મહેનત સફળ થઈ ગઈ. બાળપણથી જ દેશલદાન અભ્યાસમાં હોશિયાર હતો અને તેના પિતાએ પણ તેને દરેક સમયે સાથ આપ્યો હતો. યુ.પી.એસ.સી. સિવિલ સર્વિસ ર૦૧૭ના પરિણામોમાં જેસલમેરના રહેવાસી દેશલદાનની પસંદગી થઈ છે. તેણે ૮રમો ક્રમાંક મેળવ્યો છે. આ પહેલાં તેની પસંદગી આઈ.એફ.એસ.માં પણ થઈ ચૂકી છે. દેશલદાનની આઈ.એ.એસ.ની પસંદગીના સમાચાર મળતાં જ તેના ઘરમાં ખુશીની લાગણી છવાઈ ગઈ અને ઉત્સવ જેવો માહોલ સર્જાયો હતો. લોકો સતત તેને શુભેચ્છાઓ પાઠવી રહ્યા હતા.

ઝકાત ફાઉન્ડેશન ઓફ ઈન્ડિયાના ર૬ વિદ્યાર્થીઓ UPSCની પરીક્ષામાં સફળ થયા

(એજન્સી) નવી દિલ્હી, તા.ર૮
યુપીએસસીનું પરિણામ જાહેર થતાં જ ઝકાત ફાઉન્ડેશનના પ્રમુખ ઝફર મહેમૂદ માટે તે ગૌરવની વાત હતી. ૯૯૦ સફળ ઉમેદવારોમાં ર૬ જેટલા ઉમેદવારો ઝકાત ફાઉન્ડેશનના હતા. જે ફાઉન્ડેશન માટે ગૌરવ સમાન હતું. જે તેમને પરીક્ષા માટે હોસ્ટેલ ફી, ટ્‌્યુશન ફી અને બીજી મદદો કરે છે. ટુ સર્કલ નેટ સાથે વાત કરતાં ઝફર મહેમૂદે કહ્યું કે લોકોને તેમના હક્કો પુનઃ પ્રાપ્તનો એક માત્ર આ રસ્તો હોવાનો અહેસાસ થયો છે. આ મિશન ૧૦ વર્ષથી ચાલે છે. અલ્લાહનો આભાર માનીએ છીએ અમે કંઈક જુદુ કરવામાં સફળ થયા. વધુને વધુ ઉમેદવારો સફળ થાય છે તે કોમ માટે ગૌરવ છે. રીટર્ન ટેસ્ટ અને ઈન્ટરવ્યુ પછી ફેલોશીપ અપાય છે. આઈએએસના કોચિંગ માટે ૯૦ ટકા ફી ઝકાત ફાઉન્ડેશન આપે છે. ઉમેદવારોને તાલીમ અપાય છે. જામિયા મિલિયાના કોચીંગ સેન્ટરમાં તાલીમ પામેલા રપ વિદ્યાર્થીઓ સિવિલ સર્વિસમાં સફળ થયા છે. ગત વર્ષે ર૭ વિદ્યાર્થીઓએ પરીક્ષા પાસ કરી હતી.