અમદાવાદ, તા.૭
આમરણાંત ઉપવાસના ૧૪મા દિવસે હાર્દિકની હાલત કથળતા તેને હોસ્પિટલ ખસેડવાનો નિર્ણય પાસ સમિતિએ જ કર્યો છે તેમ પાસના કન્વિનર મનોજ પનારાએ જણાવ્યું હતું. જો કે હોસ્પિટલમાં દાખલ હોવા છતાં હાર્દિકના ઉપવાસ તો ચાલુ જ રહેશે તેમ પણ તેમણે જણાવ્યું હતું.
હાર્દિક પટેલની તબિયત લથડી હોવાને કારણે હાર્દિક પટેલની તબિયત લથડી હોવાને કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરાયો છે, પરંતુ તેના ઉપવાસ તો હજી ચાલુ જ છે અને હોસ્પિટલમાં પણ હાર્દિક ઉપવાસ જારી રાખશે, એમ પાસના અગ્રણી નેતા મનોજ પનારાએ શુક્રવારે જણાવ્યું છે. નરેશ પટેલની મુલાકાત બાદ હાર્દિકને આમ અચાનક કેમ હોસ્પિટલમાં ખસેડી દેવાયો તેવા પ્રશ્નના જવાબમાં પનારાએ સ્પષ્ટતા કરી હતી કે, એકાએક હાર્દિકની તબિયત લથડી હતી અને તેને શ્વાસની પણ તકલીફ પડી રહી હતી. આ કારણે અમે પાસના કાર્યકરોએ ખૂબ વિનંતી કરી એટલે આખરે હાર્દિકે હોસ્પિટલમાં જવાનો નિર્ણય લીધો હતો. પનારાએ એવી પણ સ્પષ્ટતા કરી હતી કે, ઉપવાસને કારણે હાર્દિકનું શરીર અત્યંત અશક્ત થઈ ગયું છે. હાર્દિક ગમે તે ઘડીએ કોમામાં જઇ શકે તેવી શક્યતા હતી. હાર્દિકનું અનશન હજુ ચાલુ છે. હાર્દિકે હજુ સુધી અન્ન કે પાણી પણ લીધું નથી. હાર્દિકે ૨૦ કલાકથી પાણી જ પીધું નથી. નબળા સ્વાસ્થ્ય સાથે સમાજની સેવા ન થઇ શકે. હાર્દિકનાં ઉપવાસ યથાવત જ છે. PAAS સમિતિએ હાર્દિકને હોસ્પિટલ ખસેડવાનો નિર્ણય કર્યો છે.

તબિયત બગડતાં મને દાખલ કર્યો છે મારી કિડનીને નુકસાન થયું : હાર્દિક

અમદાવાદ,તા.૭
પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલને ઉપવાસના ૧૪મા દિવસે સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારે હાર્દિકે ટવીટ કરીને હોસ્પિટલમાં દાખલ કરાયો હોવાનું જણાવ્યું હતું. તેણે ટવીટમાં કહ્યું હતું કે અનિશ્ચિત કાળના ઉપવાસ આંદોલનમાં ૧૪મા દિવસે મારી તબિયત બગડતા મને અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. હાલ મને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે અને કિડનીને નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. હજુ સુધી બીજેપી ખેડૂતો અને પાટીદાર સમાજની માગ પુરી કરવા માટે તૈયાર નથી.