અમદાવાદ, તા.ર૩
ગુજરાતની ભાજપ સરકારે માનીતા ઉદ્યોગપતિઓને ૪૯૧ કરોડ ચો.મી. ગૌચર – પડતર ખરાબાની જમીનો ખેરાતમાં આપીને રાજ્યના ગામોને ગૌચરમુકત બનાવવા કટિબદ્ધ છે. આજે રાજ્યના ૧૮૦૦૦ ગામો પૈકી ર૮૦૦ જેટલા ગામો ગૌચર વગરના છે. ગૌચરખાઉ ભાજપ સરકારના રાજમાં આજે માલધારીઓ અને પશુઓ અકાળે મૃત્યુ પામી રહ્યા છે. ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકાના ચમારડી ગામના માલધારી સમાજના આગેવાનો ગામની ગૌચરની ૧૪૧૬ વીઘા જમીન દબાણમુકત કરાવવા ઉપવાસ આંદોલન ઉપર બેઠા હતા તે પૈકીના એક આગેવાન રેવાભાઈ ગોદડભાઈ (ઉ.વ.પ૩)નું આજે અવસાન થતાં વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ ભુમાફિયાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી છે.
ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકાના ચમારડી ગામે માલધારી સમાજના ૧૨૫ જેટલા પરિવારો રહે છે અને પશુપાલન કરી પરિવાર તથા પશુઓનો નિભાવ કરે છે. અમુક ભુમાફિયાઓ દ્વારા ચમારડી ગામની ગૌચરની ૧૪૧૬ વીઘા જમીન પર દબાણ કરી પચાવી પાડી હતી. જેના કારણે ગામમાં ગૌચરની જમીન ન રહેતા આ માલધારી પરિવારોને જીવનનિર્વાહ તથા પશુઓના નિર્વાહ માટે મુશ્કેલી ઉભી થઈ હતી. આ જમીન દબાણમુક્ત કરાવવા માટે તા.ર૦-૮-ર૦૧૬થી માલધારી સમાજના આગેવાનો દ્વારા તાલુકા પંચાયત વલ્લભીપુર ખાતે આંદોલન ચલાવવામાં આવતું હતું પરિણામ સ્વરૂપ તા.રર-૮-ર૦૧૬ના રોજ કલેક્ટર, ભાવનગર દ્વારા ગૌચરની જમીનની સરકારી ખર્ચે માપણી કરાવવા તેમજ આ જમીન પર થયેલ દબાણ ખૂલ્લું કરાવવા હુકમ કરવામાં આવ્યો હતો. આ હુકમને બાવીસ માસ જેટલો લાંબો સમય પસાર થયો હોવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી થયેલ ન હોવાથી આ આગેવાનો ગત તા.૧૪-પ-ર૦૧૮થી પુનઃ ઉપવાસ આંદોલન પર બેઠા હતા અને જો તંત્ર દ્વારા આ પ્રશ્નનો ઉકેલ ન આવે તો તા.૧-૬-ર૦૧૮ના રોજ ચમારડી ગામેથી હિઝરત કરી અહિંસક આંદોલન કરવાની અને તેની સઘળી જવાબદારી પણ સરકારની રહેશે તેવી ચીમકી આપી હતી. તેમ છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી થયેલ નહોતી, આ આંદોલનકારીઓએ વિરોધ પક્ષના નેતાને પણ અરજી કરી આ બાબતે યોગ્ય કરાવવા રજૂઆત કરેલ હતી.
તેઓની રજૂઆત સંદર્ભે વિરોધ પક્ષના નેતાના કાર્યાલય દ્વારા તા.૧પ-પ-ર૦૧૮ના પત્રથી કલેક્ટર, ભાવનગરને જરૂરી કાર્યવાહી કરવા જણાવ્યું હતું. તેમ છતાં કોઈ કાર્યવાહી ન થતાં પુનઃ માલધારી સમાજના આગેવાનોએ તા.રર-પ-ર૦૧૮ના રોજ વિરોધ પક્ષના નેતાને ગાંધીનગર ખાતે રૂબરૂ મળી આ અંગે જરૂરી કાર્યવાહી કરાવવા વિનંતી કરી હતી. જે અન્વયે વિરોધ પક્ષના નેતાના કાર્યાલય દ્વારા કલેક્ટર ભાવનગરને આ બાબતે નિયમોનુસારની કાર્યવાહી કરવા પુનઃ વિનંતી કરી હોવા છતાં કોઈ નક્કર કાર્યવાહી થયેલ નથી. આથી નિંભર તંત્રએ ધ્યાન નહીં આપતા ઉપવાસ આંદોલન પર બેઠેલા માલધારી સમાજના આગેવાને આજે જીવ ગુમાવવો પડ્યો છે. ખેડૂતો અને પશુપાલકો માટે આ સરકાર સંવેદનશીલ નથી તે સાબિત થઈ ગયું છે.