જામનગર,તા.૧૧
ઉંડ સિંચાઈ યોજના હેઠળના કમાન્ડ વિસ્તારમાં આવેલા ગામના ખેડૂતોના ઉભા પાકને બચાવવા માટે કેનાલમાં પાણી છોડવાની માંગણી કરવામાં આવી છે.
જામનગર જિલ્લા પંચાયતનાં ઉપપ્રમુખ વશરામભાઈ રાઠોડએ રાજ્યનાં કૃષિ ગ્રામ વિકાસ મંત્રીને પાઠવેલા પત્રમાં રજૂઆત કરતા જામનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા અને અપૂરતા વરસાદનાં કારણે ખેડૂતોના ઉભા પાકને જોખમ ઉભુ થયું છે. આ પાકને બચાવવા માટે ઉંડ-૧ સિંચાઈ યોજના કમાન્ડ વિસ્તારમાં ખેડૂતોનાં ઉભા પાકને જીવનદાન આપવા તાકીદે કેનાલમાંથી પાણી છોડવું જોઈએ.
ઉંડ-૧ માં દાલ ૧૦૭૫ એમસીએફટી પાણી ઉપલબ્ધ છે. આ જથ્થા પૈકી ૯૦૦ એમસીએફટી પાણી સિંચાઈ માટે આપી શકાય છે. ખેડૂતો સિંચાઈનાં પાણી માટે નિયત રકમ ભરપાઈ કરવા સહમત છે. ઉભા પાકને બચાવવા બે પાણ માટે પાણીની જરૂરિયાતને ધ્યાને લઈ કેનાલમાં પાણી છોડવાની મંજુરી આપવી જોઈએ.
રાજ્ય સરકાર દ્વારા જામનગર શહેર માટે પીવાના પાણીની જરૂરિયાત માટે પાણી અનામત રાખવામાં આવ્યું છે. પરંતુ પીવાનાં પાણી માટે સૌની યોજના કાર્યરત છે આથી હાલ સિંચાઈ માટે પાણી આપવું જોઈએ.
આ વિસ્તારનાં જાળીયા માનસર, ખીજડીયા, હમાપર, ખંભાલીડા, નાનોવાસ,મોરામારા, તળાયણ, જામવંથલી, રોજીયા, લાખાણી, નાનોવાસ અને મોટોવાસ, રવાઈ ખીજડીયા, રણજીતપર, ધ્રાંગડા, ફલ્લા, સોયલ, નથુવડિયા, મજોઠ, વાવડી, બેરાજા, નેસડા, લીંબુડા, કુન્નડ, હડિયાણા વગેરે ગામોમાં ઉભા પાક ઉપર જોખમ ઉભુ થયું છે. જો પાણી છોડવામાં નહી આવે તો તા.૨૦-૦૯-૧૮થી ફલ્લા ગામની ઉડ કેનાલ વિભાગની કચેરી સામે અનિશ્ચિત મુદ્દતના ઉપવાસ શરૂ કરવામાં આવશે.