(એજન્સી) મુંબઈ, તા.૬
શિવસેનાના સુપ્રીમ ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્ર પોલીસની ટીકા કરતી એક પત્રકાર પરિષદ યોજી હતી. ગત સપ્તાહે યોજાયેલી આ પત્રકાર પરિષદમાં ઠાકરેએ નકસલવાદીઓ સાથે સાંઠગાંઠ હોવાના આરોપસર દેશના જુદા-જુદા ભાગોમાંથી કરાયેલી કર્મશીલોની ધરપકડનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે, પોલીસે ‘અર્બન નકસલ’ અથવા ‘હિન્દુ ત્રાસવાદ’ જેવા ‘લેબલ’ માર્યા કરતાં સમયસર કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવી જોઈએ.
ઉદ્ધવે જણાવ્યું હતું કે, સરકારે મીડિયાને માહિતી આપવાના બદલે કોર્ટમાં પુરાવા સુપરત કરવા જોઈએ. આરોપીઓ પર ‘અર્બન નકસલો’ કે ‘હિન્દુ ત્રાસવાદી’ જેવા લેબલ લગાવવાના બદલે કોર્ટમાં સમયસર તહોમતનામું દાખલ કરવું જોઈએ. પાંચ કર્મશીલો સાથે તાજેતરમાં કટ્ટરવાદી સંગઠનના કાર્યકર સામે બોમ્બ વિસ્ફોટના લાગેલા આરોપોની પણ યોગ્ય તપાસ થવી જોઈએ.
ગત શુક્રવારે મહારાષ્ટ્રના કાયદા-વ્યવસ્થાના અધિક ડિરેક્ટર જનરલ પરમબીર સિંદ્ધુ અને પૂણે પોલીસે એક પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે મીડિયાને પાંચ કર્મશીલોની ધરપકડ અંગેની માહિતી આપી હતી.
ઉદ્ધવે આર્થિક ક્ષેત્રે નિષ્ફળતા બદલ મોદી સરકારની ટીકા કરી હતી અને ભૂખ હડતાળ પર ઉતરેલા ગુજરાતના પાટીદાર નેતા હાર્દિક પટેલને સમર્થન જાહેર કરતાં જણાવ્યું હતું કે, આપણને આવા લડવૈયાઓની જરૂર છે. તેમણે હાર્દિકને ભૂખ હડતાળ પાછી ખેંચવા પણ વિનંતી કરી હતી.