(એજન્સી) તા.૧૭
પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અન્સારીએ ઉર્દૂ ભાષા પર સર્જાઇ રહેલા વિવાદ અંગે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ઉર્દૂ ફક્ત મુસ્લિમોની ભાષા નથી પરંતુ એ દેશની ભાષા છે. તેમણે એ વાત પર નિરાશા વ્યક્ત કરી હતી કે આજે ઉર્દૂ ભાષાને રાજકીય મુદ્દો બનાવી દેવાયો છે. તેમણે કહ્યું કે આજે લોકોમાં ધારણા બંધાઇ ગઇ છે કે ઉર્દૂ સાથે સંબંધ ધરાવતા લોકો ફક્ત મુસ્લિમો જ હોય છે અને આ ભાષા મુસ્લિમો સાથે જ સંબંધ ધરાવે છે. તેમણે એક જાણીતા મીડિયાના ઉર્દૂ સંસ્કરણની શરૂઆતના અવસરે આ ટિપ્પણી કરી હતી. પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અન્સારીએ કહ્યું કે દક્ષિણ ભારત, પશ્ચિમ બંગાળ અને દેશના બીજા ભાગોમાં ઉર્દૂ બોલનારા લોકો પણ તમને સરળતાથી મળી જશે. તેમણે કહ્યું કે આ સમગ્ર દેશની ભાષા છે. કેનેડા, અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને દુનિયાના બીજા ભાગોમાં પણ એવા અનેક લોકો વસે છે જે ઉર્દૂ ભાષાને પ્રેમ કરે છે, તેની પ્રત્યે માન રાખે છે અને તેને અપનાવે પણ છે.