(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૪
શહેરના ફૂલવાડી સાબરીનગર ખાતે આવેલ ટી.પી.નં.ર૪ (ટૂંકી)ના એફ.પી. નં.૭૩ વાળી જમીન ઉપર ગરીબ અને શ્રમજીવી પરિવારના બાળકોના હિતમાં નવી ઉર્દુ શાળાનું નિર્માણ થાય તેવી માંગણી સાથે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વિરોધ પક્ષના નેતા નટુભાઇ આઇ.પટેલ, શફીભાઇ જરીવાલાએ સુરત મહાનગરપાલિકાના કમિશનરને લેખિતમાં રજૂઆત કરી હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર રામપુરા નુરી મહોલ્લામાં શાળા નં.૧ર૭ આવેલ છે. જેમાં ૩૭૪ કુમાર અને ૪૫૨ કન્યા મળી કુલ ૮૨૪ બાળકો આ શાળામાં અભ્યાસ કરે છે. શાળાના મહેકમ પ્રમાણે ૨૬ શિક્ષકોની જરૂરિયાત સામે ૧૬ શિક્ષકો જ આ શાળામાં ફરજ બજાવે છે અને ૧૦ શિક્ષકોની ઘટ છેલ્લા ૨૦ વર્ષથી વર્તાય છે. આ શાળામાં ૬૦૦ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તે બાળકો મોટાભાગના ફુલવાડી, ભરીમાતા, સાબરીનગર, રહેમતનગર વિસ્તારના હોવાનું જાણવા મળે છે અને ત્યાંથી આ શાળા બેથી ત્રણ કિ.મી. દુર છે. આ ઉપરાંત ત્યાંથી આ શાળામાં આવતા ટ્રાફિક જામના બનાવો પણ વારંવાર બને છે. તાજેતરમાં જ વેડરોડ પાસે ઓવર બ્રિજનું નિર્માણ થયું હતું. જેને કારણે સતત ટ્રાફિકની સમસ્યા વર્તાઇ હતી, વેડ દરવાજાથી રામપુરા નુરી મહોલ્લા ખાતે આવતા રસ્તો તદ્દન નિચાણવાળા હોવાથી ચોમાસા દરમિયાન પાણી ભરાય જવાના બનાવો પણ વારંવાર દેખાઇ આવે છે.
ધો.૧થી ૫માં ૧૫ શિક્ષકો અને ધો.૬થી ૮માં ૧૧ શિક્ષકો મળી કુલ્લે ૨૬ શિક્ષકો થવા જાય છે. જ્યારે હાલમાં ધોરણ ૧થી ૫ માં ૧૦ અને ધો. ૬ થી ૮માં ૬ શિક્ષકો મળી કુલ્લે ૧૬ શિક્ષકો ફરજ બજાવે છે. એટલે કે કુલ્લે ૧૦ શિક્ષકોની ઘટ ઘણા લાબાં સમયથી વર્તાય રહી હોવાનું વિરોધ પક્ષના નેતા નટુભાઇ પટેલએ જણાવ્યું હતું. શિક્ષણ સમિતિના અધ્યક્ષ ઉર્દુ માધ્યમની શાળા શરૂ કરવાના કામ ટલ્લે ચઢાવવા માટે મહેકમનો પ્રશ્ન આગળ ધરીને આ કામને ગલ્લેતલ્લે ચઢાવી રહ્યાં હોવાનું જાણવા મળે છે. આ બાળકો મહદઅંશે લઘુમતી ભાષાના હોવાથી તેમણે આ ઉર્દુ શાળા શરૂ ન કરવાનું મન બનાવી લીધું હોય. તેવો નિર્દેશ પ્રતિત થઇ રહ્યું છે.
આજરોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વિરોધ પક્ષના નેતા નટુભાઇ પટેલ અને શફીભાઇ જરીવાલા દ્વારા સુરત મ્યુ. કમિ.ને ટી.પી.ર૪ (ટુંકી), એફ.પી.નં.૭૩ વાળી જમીન ઉપર ઉર્દુ માધ્યમની શાળા શરૂ કરવા માટે લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે તા.૭-૭-૨૦૧૮ સુધીમાં આ લેખિત રજૂઆતને ધ્યાનમાં લેવામાં ન આવશે તો ૯-૭-૨૦૧૮ના રોજ વિદ્યાર્થીઓના હિતમાં આશ્રર્યજનક કાર્યક્રમ રાખવાની ફરજ પડશે.
ગરીબ અને શ્રમજીવી પરિવારના બાળકોના હિતમાં નવી ઉર્દૂ શાળા શરૂ કરવાની માંગ

Recent Comments