(એજન્સી) વોશિંગ્ટન, તા.૬
અમેરિકાના એક ટોચના કમાન્ડરે એ બાબત પર રોષ વ્યક્ત કર્યો કે પાકિસ્તાન પોતાની જમીન પર આતંકવાદી સમૂહોને સુરક્ષિત આશ્રયસ્થાન ન બનાવી આપવાની દિશામાં નક્કર પગલાં ભરવામાં નિષ્ફળ રહ્યું છે. સાથે જ તેમણે સાંસદોને જણાવ્યું કે પાકિસ્તાન સતત અફઘાન તાલિબાનનો ઉપયોગ ભારતની વિરૂદ્ધ કરી રહ્યું છે. મરીન કોરના લે. જનરલ કેનેથ મેકેજીનું આ નિવેદન અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા અફઘાનિસ્તાન શાંતિ વાર્તામાં પાક.ના વડાપ્રધાન ઈમરાનખાન પાસેથી મદદ માંગ્યાના થોડા દિવસો બાદ સામે આવ્યું છે. ટ્રમ્પ પ્રશાસને અમેરિકાના અફઘાનિસ્તાનમાં ચાલેલા સૌથી લાંબા યુદ્ધ બાદ વાતચીત દ્વારા કોઈપણ ઉકેલ લાવવાના સઘન પ્રયત્નો હાથ ધર્યા છે. આ યુદ્ધમાં અમેરિકાના ર૪૦૦થી વધુ સૈનિકો માર્યા ગયા છે. બીજી તરફ તાલિબાન અમેરિકાના આંતરરાષ્ટ્રીય દળોને દેશમાંથી હાંકી કાઢવા માટે અને પુનઃ એકવાર પોતાનું શાસન સ્થાપવા માટે સંઘર્ષ કરી રહ્યું છે. મેકેંજીએ યુ.એસ. સેન્ટ્રલ કમાન્ડના કમાન્ડર પર નિમણૂક માટે સુનાવણી દરમ્યાન સિનેટની સશસ્ત્ર સેવા સમિતિને કહ્યું કે અફઘાનિસ્તાનમાં દીર્ઘકાલિન સ્થિરતા માટે પાકિસ્તાન જરૂરી તત્વ સમાન છે. તેમણે કહ્યું કે, તાલિબાન અને અફઘાનિસ્તાનના સરકારની વચ્ચે વાતચીત કરાવવામાં પાકિસ્તાન મુખ્ય ભૂમિકા ભજવી શકે છે. તેમણે કહ્યું કે હું તે પ્રગતિનું સ્વાગત કરીશ. જો કે આ સમયે એવું નથી લાગતું કે, તાલિબાનને ચર્ચા કરવા માટે તૈયાર કરવા પાકિસ્તાન પોતાના પ્રભાવનો સંપૂર્ણ ઉપયોગ કરી રહ્યું છે.
મેકેંજીએ સુનાવણી દરમ્યાન કહ્યું અમે સતત જોતાં આવ્યા છીએ કે સ્થિરતા અને સૌમ્યતાથી ભરપૂર અફઘાનિસ્તાનનો ભાગ બનવાની જગ્યાએ તાલિબાનનો ઉપયોગ ભારતની વિરૂદ્ધ કરવામાં આવી રહ્યો છે. મેકેંજીનો આ જવાબ એવા સમયે આવ્યો છે જ્યારે ટ્રમ્પે તાજેતરમાં જ ઈમરાનને પત્ર લખીને અફઘાન શાંતિ વાર્તામાં મદદ માંગી છે. વ્હાઈટ હાઉસની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના એક પ્રવક્તાએ કહ્યું છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પે વડાપ્રધાન ખાનને એક પત્ર મોકલ્યો છે જેમાં અમેરિકા દ્વારા અફઘાન શાંતિ પ્રક્રિયા તથા વિશેષ પ્રતિનિધિ જલમય ખલીલજાદની વિસ્તારમાં યોજાનારી મુલાકાતમાં પાકિસ્તાનનો સંપૂર્ણ સહયોગ માંગવામાં આવ્યો છે.