(એજન્સી)               વોશિંગ્ટન, તા.ર૯

સીરિયામાં આતંકવાદી જૂથોને નાબૂદ કરવા માટે યુએસની આગેવાની હેઠળના દળોએ કરેલા હવાઈ હુમલામાં ગણનાપાત્ર નાગરિકોના મોત થયા છે. તેમ એક અહેવાલમાં જણાવાયું છે. યુએસના દળોના દાવા મુજબ એર સ્ટ્રાઈકમાં નાગરિકોના ઓછામાં ઓછા મોત થયા છે.

એમનેસ્ટી ઈન્ટરનેશનલના કહેવા મુજબ બે વર્ષમાં ૩૦૦ નાગરિકો ૧૧ જેટલા હવાઈ હુમલામાં માર્યા ગયા હતા. ઉત્તરે સીરિયાના મનબીજ ખાતે ત્રણ હવાઈ હુમલામાં ૧૦૦ લોકોના મોત થયા હતા. જે અલ-તુખાર ગામે બનાવ બન્યો હતો. આ બનાવની યુએસના મીડલઈસ્ટ મિલિટરી કમાન્ડર દ્વારા તપાસ હાથ ધરાઈ છે. એમનેસ્ટીના અહેવાલ મુજબ મનબીજ ગામેથી દાઈસના આતંકવાદીઓને હાંકી કાઢવા કરાયેલા હુમલામાં ર૦૦ જેટલા નાગરિકોનાં મોત થયા હતા. બીજા ૪૦ જેટલા નાગરિકો હસાખા વિસ્તારના આયન ગામે હવાઈ હુમલામાં માર્યા ગયા હતા. એમનેસ્ટીની બેસત ખાતેની કચેરીના નાયબ નિયામક લીન માલૂફે કહ્યું કે, સંયુકતદળો નાગરિકોને ઓછામાં ઓછું નુકસાન થાય તે પ્રમાણે હુમલા કરવામાં નિષ્ફળ ગયા છે. કેટલાક હુમલા અત્યાચાર સમાન હતા. દાઈસના નિયંત્રણમાંથી મોસૂલની મુક્તિ માટે સંયુકત દળો ઈરાક સાથે મળી જંગ ખેલી રહ્યા છે. સંયુકત દળોએ હવાઈ હુમલા સમયે નાગરિકોની જાનહાનિ ટાળવા પગલાં લેવા જોઈએ. ૧૧ જેટલા હવાઈ હુમલા બાદ એમનેસ્ટીએ વિશ્લેષણ કર્યા બાદ આ વિગતો જાહેર કરી હતી.