હેલસિંકી,તા.૧૭
રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિનની સાથે પ્રથમ દ્વિપક્ષીય બેઠક કર્યા બાદ અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના દેશના મીડિયાના નિશાન પર આવી ગયા હતા. ટ્રમ્પે સોમવારે સાંજે ફિનલેન્ડની રાજધાની હેલસિંકીમાં પુતિનની સાથે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમાં પુતિને કહ્યું કે, રશિયાએ ક્યારેય અમેરિકાની ચૂંટણીમાં હસ્તક્ષેપ નથી કર્યો. જ્યારે ટ્રમ્પે કહ્યું કે, પુતિન સાચા છે અને અમેરિકાનું વલણ આ મામલે મૂર્ખામીભર્યું રહ્યું છે. શીતયુદ્ધ સમયથી પ્રતિસ્પર્ધી રશિયાના પ્રેસિડન્ટનું સમર્થન કરવાથી અમેરિકાનું મીડિયા ભડકી ગયું હતું. યુએસ મીડિયાએ કહ્યું કે, ટ્રમ્પે જે કર્યુ, તે દેશદ્રોહથી કમ નથી. તેઓએ પરંપરાનો ભંગ કર્યો છે. આ ટ્રમ્પના કાર્યકાળની સૌથી શરમજનક ક્ષણ છે.
ટ્રમ્પ અને પુતિનની પ્રેસ કોન્ફરન્સમાં કેટલીક અનપેક્ષિત બાબતો બની. ટ્રમ્પે પુતિનને ફૂટબોલ વર્લ્ડ કપ માટે ધન્યવાદ પાઠવ્યા. જેના પર પુતિને ટ્રમ્પને ફૂટબોલ ગિફ્ટ કર્યો. ટ્રમ્પે તેને ઉછાળ્યો અને ફૂટબોલ સામે બેઠેલી મલેનિયાના ખોળામાં જઇને પડ્યો. મીડિયાના સવાલો પર પુતિને કહ્યું, હું ઇચ્છતો હતો કે, ડોનાલ્ડ ટ્રમ્પ પ્રેસિડન્ટ બને પરંતુ રશિયાએ અમેરિકાની ચૂંટણીમાં ક્યારેય દખલગીરી નથી કરી. જેના જવાબમાં ટ્રમ્પે કહ્યું કે, રશિયા પર આરોપ લગાવવાના મામલે આપણાં દેશનું વલણ મૂર્ખામીભર્યું રહ્યું છે. પુતિન કહે છે કે, રશિયાએ કોઇ હસ્તક્ષેપ નથી કર્યો મને પણ દરમિયાનગીરીનું કોઇ કારણ દેખાતું નથી.
આ વિવાદ ૨૦૧૬માં થયેલા અમેરિકા પ્રેસિડેન્શિયલ ઇલેક્શન સાથે જોડાયેલો છે. અમેરિકાની ઇન્ટેલિજન્સ એજન્સીઓનો આરોપ છે કે, રશિયાએ આ ચૂંટણીમાં હસ્તક્ષેપની કોશિશ કરી હતી.
ટ્રમ્પે જે કર્યુ, તે દેશદ્રોહથી કમ નથી, કાર્યકાળની સૌથી શરમજનક ક્ષણ : યુએસ મીડિયા

Recent Comments