અમદાવાદ, તા.૨૬
લોકોને જો એક તક આપવામાં આવે તો મોટાભાગના લોકો સમૃધ્ધિ અને સાહ્યબી માટે યુએસએ(અમેરિકા) સ્થળાંતર કરવાનું પસંદ કરશે. ભારતના ઇમીગ્રન્ટ્‌સ દાયકાઓથી અમેરિકા જવાના સપના સજાવીને બેઠા છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સીકયોરીટીઝના આંકડા પ્રમાણે, ૨૦૧૫માં વિશ્વના કુલ ૧૦,૫૧,૦૩૧ લોકો યુએસમાં કાયમી કાનૂની નિવાસી(એલપીઆર-લોફુલ પરમેનેન્ટ રેસિડેન્ટ) બન્યા છે. ભારતીય મૂળના લોકો આ એલપીઆર અથવા ગ્રીન કાર્ડધારકોની નોંધપાત્ર સંખ્યા ધરાવે છે. વાસ્તવમાં યુએસમાં ઇમીગ્રન્ટ્‌સની વૈશ્વિક યાદીમાં ભારત ટોચના ત્રણમાં સ્થાન ધરાવે છે. આ અંગે એલેડી કેપીટલ-બ્રીજ ટુ યુએસએ એટલાન્ટા, જયોર્જિયા સ્થિત કંપનીના જોઇન્ટ મેનેજીંગ ડિરેકટર(ગ્લોબલ) તનુજ પટેલે જણાવ્યું કે, અમેરિકામાં સ્થળાંતર કરનારા લોકોમાં ભારતીયો ત્રીજા સૌથી મોટા જૂથનો હિસ્સો ધરાવે છે. ભારતમાં એવી માન્યતા પ્રવર્તે છે કે, માત્ર વિદ્યાર્થીઓ અને આઇટી પ્રોફેશનલ્સ લોકો જ યુએસએમાં સ્થળાંતર કરી શકે છે પરંતુ યુએસએમાં સ્થળાંતર કરવા માટે તૈયાર લોકો માટે એક રસપ્રદ વિઝા કાર્ય કાર્યક્રમ પ્રકાશિત કરવા માંગીએ છીએ. યુએસસીઆઇએસ(યુનાઇટેડ સ્ટેટ્‌સ નાગરિકતા અને ઇમીગ્રેશન સેવા) દ્વારા સંચાલિત ઇબી-૫ વિઝા પ્રોગ્રામ એક રોકાણ આધારિત ઇમીગ્રેશન પ્રોગ્રામ છે. આ પ્રોગ્રામ નાગરિકોને રોકાણ કરવાની અને તેમના આશ્રિત પરિવારના સભ્યો સાથે અમેરિકા સ્થળાંતર કરવાની તક આપે છે. ગ્રીન કાર્ડ મેળવવા માટે આ સૌથી વધુ અનુકૂળ અને ઝડપી માર્ગ છે. તેમણે વધુમાં જણાવ્યું કે, યુએસએનો પ્રવાસ ખેડવા અલગ અલગ વિઝા કેટેગરી છે. અમેરિકામાં પ્રવાસ કરનારાઓમાંથી લગભગ ૯૦ ટકા લોકો ટુરીસ્ટ અને બીઝનેસ પ્રવાસીઓ હોય છે. હંગામી કામદારો, તાલીમાર્થીઓ અને પત્ની-બાળકો આશરે પાંચ ટકા પ્રવાસીઓનો હિસ્સો ધરાવે છે. આ જૂથમાં એચ-વનબી વિઝા, વિશેષ વ્યવસાય કર્મચારીઓ, રજિસ્ટર્ડ નર્સ, હંગામી ધોરણે કામ કરતા કૃષિ કામદારો, નોર્થ અમેરિકન ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પ્રોફેશનલ્સ કામદારો, સંધિ વેપારીઓ અને કંપનીની આંતરિક ટ્રાન્સફરના કર્મચારીઓનો સમાવેશ થાય છે. અમેરિકામાં ભણવા આવતાં વિદ્યાર્થીઓ ૩૦ ટકા હોય છે. ઇબી-૫ વિઝા કાર્યક્રમ એ કોઇપણ વિવાદમાં ફસાયા વિના યુએસએમાં સ્થળાંતર કરવામાં અને કિમતી ગ્રીન કાર્ડ મેળવવામાં મદદ કરે છે. ઇબી-૫ કાર્યક્રમ હેઠળ વિદેશી રોકાણકારે અન્ય ફી ઉપરાંત પ્રાદેશિક કેન્દ્ર દ્વારા પાંચ લાખ અમેરિકન ડોલર(અંદાજે રૂ.૩.૩ કરોડ)નું રોકાણ પાંચ વર્ષ માટે કરવાનું રહે છે. આ કાર્યક્રમ અંતર્ગત રોકાણ કરતાં પ્રોજેકટમાં યુએસએના નાગરિક માટે નોકરીની તકો પણ નિર્માણ કરે છે. રસપ્રદ વાત તો એ છે કે, આ પ્રોગ્રામ માટે પાત્રતા મેળવવા કોઇ શૈક્ષણિક લાયકાત કે અંગ્રેજી ભાષાના કૌશલ્યની જરૂર નથી. ભારતના કોઇપણ ભાગની વ્યકિત અમેરિકાના નાગરિક બનવાનું તેનું સપનું સાકાર કરી શકે છે અને ગ્રીનકાર્ડ મેળવી કાયમ માટે અમેરિકા સ્થળાંતર કરવુ હોય તો ઇબી-૫ વિઝા ટ્રમ્પ કાર્ડ છે.