ન્યૂયોર્ક, તા.૪
વિશ્વના પૂર્વ નંબર વન ખેલાડી રોજર ફેડરર અને મારિયા શારાપોવા પોતપોતાની મેચ હારીને યુ.એસ.ઓપનમાંથી બહાર થઈ ગયા છે. પાંચ વખતનો ચેમ્પિયન ફેડરર ન્યૂયોર્કમાં ટાઈટલના ૧૦ વર્ષના દુકાળનો અંત કરવામાં નિષ્ફળ ગયો અને તેને ઓસ્ટ્રેલિયાના વિશ્વના પપમા નંબરના ખેલાડી જોન મિલમેને ૩-૬, ૭-પ, ૭-૬ (૯/૭), ૭-૬ (૭/૩)થી પરાજય આપ્યો. વીસ વખતના ગ્રાન્ડસ્લેમ ચેમ્પિયન ફેડરરની યુ.એસ.ઓપનની ૪૧ મેચોમાં ટોપ પ૦થી બહારના ખેલાડી વિરૂદ્ધ આ પ્રથમ હાર છે. બીજી બાજુ જોકોવિકે એકતરફી મુકાબલામાં સોસાને ૬-૩, ૬-૪, ૬-૩થી હરાવી કવાર્ટર ફાઈનલમાં પ્રવેશ કર્યો. મહિલા વર્ગમાં ર૦૦૬ની ચેમ્પિયન શારાપોવાને સતત બીજા વર્ષે ન્યૂયોર્કમાં પ્રી કવાર્ટર ફાઈનલમાં પરાજયનો સામનો કરવો પડ્યો છે. સ્પેનની સુચારેઝ નવારોએ પોતાનો ૩૦મો જન્મદિવસ પાંચ વખતની ગ્રાન્ડસ્લેમ ચેમ્પિયન શારાપોવાને હરાવી મનાવ્યો. શારાપોવાએ પોતાનું છેલ્લું ગ્રાન્ડસ્લેમ ર૦૧૪માં જીત્યું હતું.