(એજન્સી) જયપુર, તા.૧૧
રાજસ્થાનમાં આ વર્ષના અંત સુધી વિધાનસભા ચૂંટણી યોજાનાર છે ત્યારે ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીને ભારે આંચકો લાગ્યો છે. ભાજપના પૂર્વ ધારાસભ્ય ઉષા પુનિયાએ બુધવારે પક્ષમાંથી રાજીનામું આપ્યું છે. નવલગઢથી અપક્ષ ધારાસભ્ય ચૂંટાયા બાદ પક્ષમાં જોડાયેલ પ્રતિભાસિંહે પણ ભાજપનું સભ્યપદ ત્યાગવાની જાહેરાત કરી છે. ઉષા પુનિયાએ જણાવ્યું કે, તેમણે ભાજપની નીતિઓ અને આદર્શોથી પ્રભાવિત થઈ પક્ષનું સભ્યપદ મેળવ્યું હતું પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી ભાજપ કાર્યકર્તાઓની ઉપેક્ષા કરી રહ્યું છે. સરકારનું તમામ કામકાજ માત્ર મુખ્યમંત્રી કાર્યાલય બંગલા નં.૧૩ સુધી સીમિત છે. બીજી તરફ ર૦૦૩માં નવલગઢથી ચૂંટણી જીતનાર પ્રતિભાસિંહે પોતાનું રાજીનામું પક્ષના રાષ્ટ્રીય તેમજ પ્રદેશ અધ્યક્ષને મોકલ્યું છે. તેમણે કહ્યું કે, કેટલાક સમયથી તે પક્ષમાં પોતાની ઉપેક્ષા થઈ રહી હોય તેવું અનુભવી રહ્યા હતા. પ્રતિભાસિંહ ર૦૧પમાં ભાજપ સાથે જોડાયા હતા.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ પક્ષના સ્થાનિય નેતૃત્વ અને મુખ્યમંત્રીથી નારાજ થઈ ભાજપના અનેક ધારાસભ્યો અને નેતાઓ પક્ષ વિરૂદ્ધ થઈ ચૂક્યા છે. રાજસ્થાનમાં ૭ ડિસેમ્બરના રોજ મતદાન થશે જ્યારે મતગણતરી ૧૧ ડિસેમ્બરના રોજ કરવામાં આવશે.