(સંવાદદાતા દ્વારા) પાટણ,તા.૮
ઉત્તર ગુજરાત જમિયત ઉલ્માએ હિન્દની એક ખાસ બેઠક પાટણ ખાતે ઈદગાહ મસ્જિદમાં મૌલાના અબ્દુલ કુદુશ સાહેબ નદવી (ઉપપ્રમુખ જમિયતે ઉલ્માએ હિન્દ ગુજરાત)ના પ્રમુખસ્થાને અને હજરત મૌલાના યાસીન સાહબ (કાકોશી)ના મુખ્ય મહેમાન પદે યોજાઈ હતી. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણાના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં પાટણ જિલ્લાના વડાવલી ગામે થયેલ કોમી તોફાનો વખતે અસરગ્રસ્તોના પુનઃવર્સન માટે કરવામાં આવેલી કામગીરીને બિરદાવી તે માટેના ખર્ચનો હિસાબ રજૂ કરી તેને સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી.
બેઠકના પ્રારંભમાં પાટણના મદ્રેસાએ કંઝેમરગુબના મોહતમીમ મૌલાના ઈમરાને જમિયત ઉલ્માએ હિન્દની વિવિધ સેવાકીય, કુદરતી આફ સમયની નાત-જાતના ભેદભાવ વગરની સેવાકીય અને દેશહિતની પ્રવૃતિઓને બિરદાવી હતી. તેમજ પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના વડાવલી ગામે કોમી તોફાનો વખતે અસરગ્રસ્તોની વ્હારે આવી તેમના પુનઃવર્સન માટે કરવામાં આવેલી કામગીરીની ભરપુર પ્રસંશા કરી હતી.
આ બેઠકમાં જમિયત ઉલ્માએ હિન્દના જનરલ સેક્રેટરી મૌલાના સૈયદ મહેમુદ મદનીની સૂચના અને માર્ગદર્શન હેઠળ પાટણ શહેર સહિત તાલુકા મથકોએ ૧૩મી ઓગસ્ટના રોજ જમિયત દ્વારા એકતા રેલીનું આયોજન કરવા આહવાન કર્યું હતું. તા.૧પમી ઓગસ્ટના રોજ પાટણ શહેરમાં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરી દેશ દુલારા ત્રિરંગાને સલામી આપવાનો કાર્યક્રમ યોજવાનું નકકી કરવામાં આવ્યું હતું. રાધનપુર, પાટણ સહિત જિલ્લાના પૂરઅસરગ્રસ્ત ગામોના નુકસાનીગ્રસ્ત મકાનોનું સર્વે કરી તેઓને મદદરૂપ બનવાનો નિર્ણય કરાયો હતો.
આ બેઠકમાં વડાવલી અસરગ્રસ્તોના પુનઃવર્સન માટે બનાવાયેલ બાંધકામ કમિટીના કન્વીનર મૌલાના ઈમરાન કે. શેખ (સુપર) એ કામગીરીનો હિસાબ રજૂ કર્યો હતો. જેને સર્વાનુમતે બહાલી આપી તેઓની કામગીરીને બિરદાવવામાં આવી હતી.આ પ્રસંગે પાટણ જિલ્લા જમિયત ઉલ્માએ હિન્દના પ્રમુખ મૌલાના દાઉદ કાસમી વદાણી, મૌલાના ખાદીમ લાલપુરી (સાબરકાંઠા) દોલતખાન પઠાણ (મહેસાણા), મૌલાના અબ્દુલ લતીફ ઉમરૂ, મૌલાના શફીભાઈ મોગલ, શાહીદભાઈ સહકાર, સઈદભાઈ શેરા, પઠાણ રફીકભાઈ, અમીનભાઈ રાજધાની, મૌલના અર્શદ કિંડરોલ, મૌલાના હનીફ (ભીલવણ), મૌલાના યાહયા, મુસાઅલી (સમી), ઈમ્તિયાઝભાઈ (હારીજ), તેમજ પાટણ, બાલીસણા, વદાણી, કાકોશી, કિંડરોલ, ચાટાવાડા, હારીજ, સમી, રણુંજ, નાદોત્રી, ખળી, મહેસાણા અને સિધ્ધપુરના મુસ્લિમ આગેવાનો અને યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ઉ.ગુજરાત જમિયત ઉલ્મા-એ-હિન્દની એક ખાસ બેઠક પાટણ ખાતે યોજાઈ

Recent Comments