શિયોલ,તા. ૨૮
ઉત્તર કોરિયન મિસાઇલ બેઝ ઉપર રેડિયો સિગ્નલ અને રડાર ગતિવિધિઓને ધ્યાનમાં લઇને જાપાન અને દક્ષિણ કોરિયાએ સંકેત આપ્યા છે કે, ઉત્તર કોરિયા નવા મિસાઇલ પરીક્ષણની તૈયારીમાં છે. ઉત્તર કોરિયાએ પોતાના ન્યુક્લિયર મિસાઇલ પ્રોગ્રામ મારફતે આંતરરાષ્ટ્રીય સમુદાયને ચિંતિત કરી દીધા છે. પરંતુ ઉત્તર કોરિયા દ્વારા દબાણ વધારવામાં આવ્યા બાદ ૧૫મી સપ્ટેમ્બર બાદથી હજુ સુથી કોઇ પરીક્ષણ કરવામાં આવ્યા નથી. એમ માનવામાં આવે છે કે, ઉત્તર કોરિયા ઉપર લાગૂ કરવામાં આવેલા કઠોર પ્રતિબંધની અસર હવે દેખાઈ રહી છે. અલબત્ત દક્ષિણ કોરિયન સમાચાર સંસ્થાઓએ માહિતી આપતા કહ્યું છે કે, મિસાઇલ ટ્રેસિંગ રડારને કોઇ એક વણઓળખાયેલી જગ્યા પર સક્રિય કરવામાં આવી છે. ઉત્તર કોરિયા મિસાઇલ બેઝ ઉપર નવેસરથી ગતિવિધિ પણ જોવા મળી રહી છે. જે સિગ્નલો હાથ લાગ્યા છે તે સંકેત આપે છે કે, ઉત્તર કોરિયા ફરીવાર મિસાઇલ પરીક્ષણની તૈયારીમાં છે. આ સંદર્ભમાં જાપાન અને દક્ષિણ કોરિયા ઉપરાંત અમેરિકાની પણ નજર કેન્દ્રિત થઇ ગઇ છે. દક્ષિણ કોરિયામાં સંરક્ષણ મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આ રિપોર્ટને લઇન ેહાલમાં ટિપ્પણી કરવી યોગ્ય રહેશે નહીં. જો કે, જાપાનમાં પણ આ પ્રકારના સમાચાર પ્રકાશિત થયા છે. જાપાની સરકારને એવા સિગ્નલ મળ્યા છે જેનાથી સંકેત મળે છે કે, ઉત્તર કોરિયા આગામી મિસાઇલ લોંચની તૈયારીમાં છે. ત્યારબાદથી સરકાર એલર્ટ છે. દક્ષિણ કોરિયા અને જાપાન બંને ઉત્તર કોરિયાની ગતિવિધિ ઉપર ચાંપતી નજર રાખી રહ્યા છે. સેટેલાઇટ ફોટાઓમાં પણ હજુ સુધી કોઇ મિસાઇલ અથવા તો લોંચપેડ નજરે પડ્યા નથી પરંતુ શકમંદ સિગ્નલો સંકેત આપી રહ્યા છે કે, ઉત્તર કોરિયા ટૂંકમાં જ વધુ એક ઘાતક મિસાઇલ પરીક્ષણ કરીને દુનિયાને ચોંકાવી શકે છે.