(એજન્સી) ઉત્તર કોરિયા, તા.૭
ઉત્તર કોરિયાએ સોમવારે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા તેના પરમાણુ શસ્ત્રોના કાર્યક્રમ માટે દેશ પર લાદવામાં આવેલા પ્રતિબંધોની નિંદા કરી હતી અને જણાવ્યું કે, યુનાઈટેડ સ્ટેટ્‌સ દ્વારા આપવામાં આવેલી ધમકીઓને ધ્યાનમાં રાખીને તે અણુશસ્ત્રો પર કોઈ પણ પ્રકારની વાટાઘાટો કરશે નહીં. ઉત્તર કોરિયાના એક અધિકૃત સ્થાનિક મીડિયાના અહેવાલ અનુસાર, પ્યોંગયાંગે યુ.એન. દ્વારા મૂકવામાં આવેલા પ્રતિબંધોને “અમારા સાર્વભૌમત્વ પર કરવામાં આવેલા હિંસક હુમલા” સમાન ગણાવ્યું. ઉત્તર કોરિયાએ તેમ પણ જણાવ્યું કે, વોશિંગટન દ્વારા મળેલી ધમકીઓનો સામનો કરતી વખતે તે વાટાઘાટોના સમયે તેના રક્ષાત્મક પરમાણુ શસ્ત્રોનો વિસ્તાર વધારવા માટે કોઈ પણ પ્રકારની પીછેહઠ કરશે નહીં. અમે અમારી સૈન્ય તાકાતને વધારવા માટે ભરવામાં આવતા કોઈ પણ પગલાંઓને પાછા લઈશું નહીં. અમે અમારા સૈન્યને મજબૂત બનાવીશું. પ્યોંગયાંગે તેમ પણ જણાવ્યું કે “ઉત્તર કોરિયાને સૌથી અલગ રાખવા તેમજ તેને કાબૂમાં રાખવા બદલ” તેણે આપેલી ધમકીઓના બદલામાં “હજાર વખત” કિંમત ચૂકવશે. યુનાઈટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલે શનિવારે ઉત્તર કોેરિયા પર વારંવાર ઈન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઈલની ચકાસણી અને યુ.એન. રિઝોલ્યુએશનનું ઉલ્લંઘન કરવા બદલ તેના પર નવા પ્રતિબંધો મૂક્યા હતા તથા આ અંગે યુ.એન.એસ.સી.ના સભ્યોની સર્વસંમતિથી ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ઉત્તર કોરિયામાંથી કોલસો, લોખંડ, સિસુ અને સી ફૂડની નિકાસ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો.