(એજન્સી) દહેરાદૂન, તા.૧૯
ટિહરી જિલ્લામાં ચંબાથી લગભગ ૧ર કિમી દૂર ઋષિકેશ ગંગોત્રી નેશનલ હાઈવે પર ગુરૂવારે સવારે ઉત્તરાખંડ પરિવહન નિગમની બસ લગભગ ર૦૦ મીટર ઊંડી ખાઈમાં ખાબકતાં આ દુર્ઘટનામાં ૧૪ મુસાફરોનાં મોત નિપજ્યાં છે. જ્યારે ૧૭ લોકો ઘાયલ થયા છે. ઘાયલોમાં પની ગંભીર હાલતને જોતાં તેમને હેલિકોપ્ટર મારફતે ઋષિકેશમાં આવેલ એમ્સમાં ખસેડવામાં આવ્યા છે. પ્રથમ દૃષ્ટિએ દુર્ઘટનાનું કારણ હાઈવે દુર્દશા હોવાનું માનવામાં આવી રહ્યું છે. ઘટનાસ્થળે એસ.ડી.આર.એફની સાથે પોલીસ અને ફાયર સર્વિસની દુર્ઘટના સમયની રેસ્ક્યુ ટીમ પણ ઓપરેશનમાં જોડાઈ છે. ટિહરીના જિલ્લાધિકારી સોનિકા ઘટના બાદ થોડા જ સમયમાં ત્યાં પહોંચી ગયા હતા અને તેઓ એસ.એસ.પી. ડો. યોગેન્દ્ર રાવત અને અન્ય અધિકારીઓની સાથે રેસ્ક્યુ ઓપરેશનનું સંચાલન કરી રહ્યા છે. જાણકારી અનુસાર ઉત્તરકાશી જિલ્લાના ભટવાડીમાંથી આજે સવારે લગભગ સાત વાગ્યે રોડવેઝની બસ હરિદ્વાર જવા માટે નીકળી હતી. બસમાં ચાલક-પરિચાલક સહિત ૩૧ મુસાફરો સવાર હતા. ટિહરી જિલ્લાના ચંબા નગરથી લગભગ ૧ર કિમી પહેલાં સુલિયાધારમાં બસ ચાલકે બસ પર કાબુ ગુમાવ્યો હતો અને લગભગ ર૦૦ મીટર ઊંડાણમાં ખાબકી ગઈ હતી. સવારે લગભગ સાડા આઠ વાગ્યે થયેલી આ દુર્ઘટનાની સૂચના આસપાસના ગ્રામીણો અને ત્યાંથી પસાર થઈ રહેલા લોકોએ તાત્કાલિક કંટ્રોલરૂમ અને ચંબા પોલીસને આપી. આ સાથે જ ગ્રામીણો, ઘાયલોને બહાર કાઢવા માટે ઘટનાસ્થળે દોડી ગયા.
ઉત્તરાખંડ : ટિહરીમાં રોડવેઝ બસ ખાઈમાં ખાબકતાં ૧૪નાં મોત, ૧૭ ઘાયલ

Recent Comments