(એજન્સી) તા.૧૮
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે પૂરગ્રસ્ત કેરળમાં સ્થિતિની સમીક્ષા કરી રૂા.પ૦૦ કરોડની તાત્કાલિક સહાય જાહેર કરી હતી. વડાપ્રધાને કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર શકય એટલી મદદ આપવા માટે પ્રતિબદ્ધ છે. વડાપ્રધાને પૂરના કારણે થયેલા મૃત્યુઓ અને સંપત્તિના નુકસાન પર દુઃખ વ્યક્ત કર્યું હતું. શ્રેણીબદ્ધ ટ્‌વીટમાં વડાપ્રધાને કહ્યું હતું કે, હું કેરળના લોકોના જુસ્સાને સલામ કરું છું. આ ગંભીર પરિસ્થિતિમાં વહીવટીતંત્રએ કરેલા પ્રયત્નોને પણ હું બિરદાવું છું. આ અભૂતપૂર્વ પરિસ્થિતિમાં દેશના લોકોએ કેરળ પ્રત્યે દાખવેલા ભાઈચારાની પણ હું પ્રશંસા કરું છું. વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, વાયુસેના, સેના, નૌકાદળ અને તટરક્ષક દળ કેરળના જુદા જુદા ભાગોમાં રાહતકાર્ય કરી રહ્યા છે. રાજ્યમાં બચાવ કાર્ય માટે એનડીઆરએફની ટીમો તેમજ બીએસએફ, સીઆઈએસએફ અને આરએએફની કંપનીઓ પણ તૈનાત કરવામાં આવી છે. આ મુલાકાત દરમિયાન મોદીએ વિમાન દ્વારા નિરીક્ષણ કરી રાજ્યમાં થયેલા નુકસાનનો કયાસ કાઢયો હતો. આ હવાઈ નિરીક્ષણમાં તેમની સાથે રાજ્યપાલ પી.સથાશિવમ, મુખ્યમંત્રી પિનારાયી વિજયન, કેન્દ્રીય મંત્રી કે.જે.આલ્ફોન્સ અને કેટલાક અધિકારીઓ હતા.