(એજન્સી) તા.૧
અગસ્તા વેસ્ટલેન્ડ ડીલ મામલે ફરી એકવાર કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી અને તેમના સલાહકાર તથા રાજ્યસભા સાંસદ અહેમદ પટેલને ફસાવવા માટે દબાણ વધારવાનો ખુલાસો થયો છે. અગસ્તા ડીલના કથિત વચેટિયા ક્રિશ્ચિયન મિશેલે દુબઇમાં જામીન મળ્યા બાદ જણાવ્યું કે તેના પર એવું કરવા માટે ભારતીય અધિકારીઓએ દબાણ કર્યું હતું. ગત વર્ષે દુબઇમાં ધરપકડ થયા બાદ સોમવારે મિશેલને જામીન મુક્ત કરાયો હતો. મિશેલે એક જાણીતા મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે તેના પર ફેમિલી અને એપીનો મતલબ ગાંધી ફેમિલી અને રાજ્યસભા સાંસદ અહેમદ પટેલને બતાવવા દબાણ કરાયું હતું. એટલું જ નહીં સીબીઆઇના ભારતીય તપાસ અધિકારીઓ પર મિલેશે જૂઠા કબૂલનામા પર હસ્તાક્ષર લેવાનો પ્રયાસ કરવાનો પણ આરોપ મૂક્યો હતો. સીબીઆઇ અધિકારીઓ સાથેની મુલાકાત અંગે ક્રિશ્ચિયન મિશેલે કહ્યું કે તે ભારતીય અધિકારીઓને ત્રણવાર મળ્યા હતા અને હોટલના સીસીટીવી ફૂટેજમાં તે સાબિત કરી શકે છે. સીબીઆઈ પર જૂઠ્ઠું બોલવાનો આરોપ મૂકતાં મિશેલે પોતાની મીટિંગના છ સાક્ષી હોવાનો પણ દાવો કર્યો હતો. તમને જણાવી દઇએ કે અગાઉ જ્યારે મિશેલના વકીલે આ ડીલમાં સોનિયા ગાંધીનું નામ ઢસડવા માટે દબાણ કરવાનો આરોપ મૂક્યો હતો તો ત્યારે સીબીઆઇ તરફથી મિશેલને ક્યારેય ન મળવાની સ્પષ્ટ કરવામાં આવી હતી. મિશેલના વકીલે દાવો કર્યો હતો કે ભારતીય સીબીઆઇ ટીમના સભ્યોએ તેમના પર એ કબૂલવા માટે દબાણ કયુર્ં હતું કે તે હેલિકોપ્ટર ડીલ સમયે સોનિયા ગાંધીને વ્યક્તિગત રીતે જાણતા હતા. તમને જણાવી દઇએ કે ક્રિશ્ચિયન મિશેલ પર અગસ્ટ વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર ડીલમાં કથિત લાંચખોરીમાં મહત્વની ભૂમિકા ભજવવાનો આરોપ છે. બ્રિટિશ નાગરિક મિશેલ પર અગસ્તા વેસ્ટલેન્ડ લાંચખોરી કૌભાંડ મામલે ૬ કરોડ યુરોની દલાલીમાં મહત્વની ભૂમિકા ભજવવાનો આરોપ છે. તપાસકર્તાઓ મુજબ ૧૯૯૭થી ર૦૧૩ વચ્ચે મિશેલે ભારતની ૩૦૦ વાર મુલાકાત લીધી હતી. ઇડી તરફથી યુએઈની કોર્ટમાં દાખલ કરાયેલ ચાર્જશીટમાં વચેટીયા ક્રિશ્ચિયન મિશેલનું નામ પણ સામેલ કરાયું હતું. હાલ મિશેલને જામીન મળી ગયા છે. બીજી બાજુ ભારત સરકાર મિશેલને ભારત લાવવાના પ્રયાસો કરી રહી છે.