(એજન્સી) તા.૭
સીપીઆઈએમમાંથી હાંકી કઢાયેલા રીતાબ્રતા બેનરજી હવે આદિવાસી સમાજ કલ્યા સમિતિના અધ્યક્ષ તરીકે કામ કરશે. તૃણમૂલ કોંગ્રેસે આ આદિવાસી નેતાનો ત્યારે સંપર્ક કર્યો હતો જ્યારે ભાજપે તાજેતરમાં પંચાયતની ચૂંટણીમાં સારો દેખાવ કર્યો હતો. શુક્રવારે સીપીઆઈએમમાંથી બહાર થયેલા રીતાબ્રતા બેનરજીના નામને મંજૂરી આપી દેવાઇ અને તેમને આદિવાસી સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન બનાવી દેવાયા. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ તેમના નામ પર મોહર મારી હતી. આદિવાસી નેતાઓ સાથે કરેલી બેઠક બાદ મુખ્યમંત્રી મમતા બેનરજીએ કહ્યું હતું કે હવે આદિવાસી સમુદાયના ચેરમેન જ આદિવાસી સમાજના વિકાસ માટે કામ કરશે. નોંધનીય છે કે રીતાબ્રતા બેનરજી રાજ્યસભાના સાંસદ રહી ચૂક્યા છે અને તેમને ગત વર્ષે સપ્ટેમ્બર મહિનામાં કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા-માર્ક્સિસ્ટ દ્વારા હાંકી કાઢવામાં આવ્યા હતા. તેમના પર પાર્ટીમાં શિસ્તભંગનો ગંભીર આરોપ મૂકવામાં આવ્યો હતો. તેમણે પોતાની નિમણૂંક અંગે ખુશી વ્યક્ત કરતાં કહ્યું હતું કે તેઓ આદિવાસી સમાજના કલ્યાણ માટે તેમનું શ્રેષ્ઠ પ્રદર્શન કરશે. તેમણે કહ્યું કે દીદી સાથે જોડાઇને કામ કરવા બદલ હું ગર્વ અનુભવી રહ્યો છું , હું તેમનો આભાર માનુંછું. સુત્રો અનુસાર મુખ્યમંત્રી મમતા બેનરજીએ કહ્યું હતું કે સમગ્ર જિલ્લાઓમાંથી આદિવાસી જાતિના બે પ્રતિનિધિઓને લેવાશે અને તેમને પેનલમાં સામેલ કરાવાશે. તેઓ વોટ્‌સએપ ગ્રૂપ પર સભ્યો સાથે ચર્ચા વિચારણાં પણ કરશે. જોકે પછીથી તેમણે એક ફેસબુક પોસ્ટમાં પણ કહ્યું હતું કે તેમણે સ્થાનિક વિકાસના મુદ્દાઓ પર બેઠકમાં ભાગ લેનારાઓ સાથે ચર્ચા પણ કરી હતી.