(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ,તા.૧૮
રાજયમાં હાલ દિવસે ગરમી અને રાત્રે ઠંડી એમ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં કાળા ડિબાંગ વાદળો છવાયા સાથે કયાંક વરસાદી છાંટા પણ પડતા ત્રેવડી ઋતુ અનુભવાઈ હતી. કમોસમી માવઠાને લીધે જીરૂ, રાયડો, એરંડા અને વરિયાળી સહિતના પાકને નુકસાન થવાની શકયતા છે.
રાજયમાં છેલ્લા દોઢેક મહિનાથી ઠંડીનો ભારે ડોઝ આપ્યા બાદ ઠંડીના પ્રમાણમાં ઘટાડો થયો હતો અને દિવસે ગરમી પણ શરૂ થતા બેવડી ઋતુ અનુભવાઈ હતી. ત્યાં બનાસકાંઠા સાબરકાંઠા અને મહેસાણા જિલ્લાના કેટલાક તાલુકામાં વરસાદી વાતાવરણ જોવા મળતા ખેડૂતોમાં ચિંતાના વાદળો છવાઈ ગયા હતા. લાખણી, ડીસા, ધાનેરા, બનાસકાંઠા જિલ્લાના દિયોદર, વાવ, થરાદ, અંબાજી, ભાભર તથા મહેસાણા જિલ્લાના બહુચરાજી તથા સાબરકાંઠા જિલ્લાના પોશીનામાં વાતાવરણ પલટાતાં કયાંક સામાન્ય છાંટા તો કયાંક માવઠું પડતા ખેડૂતોમાં પાક નિષ્ફળ થવાના ભયે ચિંતાના વાદળો છવાયા હતા.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ અપર એર સાયકલોનિક સકર્યુલેશન સીસ્ટમને લીધે ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પલટો આવી શકે છે. તેવી આગાહીને પગલે આજે વહેલી સવારથી જ વાતાવરણ પલટાયું હતું અને કમોસમી વરસાદ શરૂ થતા માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. પરંતુ આ માવઠા સાથે ખેડૂતોના સારો પાક ઉતરવાના અરમાનો પર પણ પાણી ફરી વળ્યા હતા. ઉત્તર ગુજરાતમાં હાલ જીરૂ, રાયડો, એરંડા, વરિયાળી ઈસબગુલ, બટાટા સહિતના પાકને નુકસાન થવાની શકયતા છે. ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પલટા બાદ રાજયના અન્ય વિસ્તારોમાં પણ વાદળ છાયું વાતાવરણ છવાતા તાપમાનનો પારો ગગડયો હતો. મોસમમાં આવેલા બદલાવ બાદ ખેડૂતો વધારે માવઠું ન પડે તેવી દુઆ અને પ્રાર્થના કરી રહ્યા છે. કારણ કે સામાન્ય માવઠાથી પાકનો ઓછો ઉતરશે. પરંતુ વધારે વરસાદ પડયો તો પાક જ નિષ્ફળ ધોવાઈ જશે આથી ખેડૂતોનું વર્ષ બગડી શકે છે.
રાજ્યમાં ઠંડીની વિદાયની અને ગરમીના આગમનથી ઘડીઓ શરૂ…
રાજ્યમાં હાલ શિયાળો પૂર્ણ થવાના આરે છે ત્યારે ઠંડીની વિદાયની ઘડીઓ ગણાઈ રહી છે. આ બધાની વચ્ચે દિવસે ગરમીનો અને રાત્રે ઠંડીનો એમ ડબલ સિઝનનો અનુભવ લોકો કરી રહ્યા છે. જેને પગલે બિમારીઓ વધવાની શંકાઓ સેવાઈ રહી છે એક તરફ રાજ્યમાં સ્વાઈન ફલુનો કહેર જારી છે. ત્યારે બેવડી સિઝનમાં બિમારીથી બચવા માટે તકેદારી રાખવાનો અનુરોધ તબીબો અને નિષ્ણાંતો કરી રહ્યા છે વાત કરીએ તાપમાનની તો ગાંધીનગરમાં તાપમાનનો પારો ૧૧ ડિગ્રી રહ્યો હતો. જ્યારે કંડલામાં ૧૧.૪, અમદાવાદમાં ૧૧.૬ વલસાડમાં ૧ર.૧, મહુવામાં ૧૩.૭, નલિયામાં ૧૪.ર, કંડલાપોર્ટમાં ૧૪.૮ વડોદરામાં ૧પ, અમરેલીમાં ૧૬.૧ અને સુરતમાં લઘુત્તમ તાપમાન ૧૬.ર ડિગ્રી નોંધ્યું હતું. આમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો જોવા મળ્યો હતો. જો કે હજુ પણ એકાદવાર ઠંડી પોતાનું જોર બતાવે તો નવાઈ નહીં કેમ કે જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
Recent Comments