(સંવાદદાતા દ્વારા) પ્રાંતિજ, તા.૧૯
સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના ઝાલાની મુવાડી ગામે અનુસૂચિત જાતિના યુવકના લગ્નમાં ઘર્ષણને લઇને ગામમાં ભારેલા અગ્નિ જેવી પરિસ્થિતિ છે. પોલીસની ગામમાં ઉપસ્થિતિ છતાં પીડિતના વાડામાં આગ ચાપવાનો બનાવ બન્યો છે, તો પોલીસના દમન મુદ્દે સામે ક્ષત્રિય સમાજ દ્વારા પ્રાંત અધિકારી તથા મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું.
આઝાદીના આટલા વર્ષો બાદ પણ હજુ દલિતો સાથે નિમ્નસ્તરનો વ્યવહાર થતો હોય તેવા કિસ્સાઓ બનતા જ રહે છે તેવા ઉપરાઉપરી કિસ્સાઓ સામે આવી રહ્યા છે. સામાજિક તિરસ્કારના આવા જ એક બનાવમાં પ્રાંતિજ તાલુકાના ઝાલાની મુવાડી ખાતે દલિતને ત્યાં લગ્નપ્રસંગે ડી.જે. નહીં વગાડવા દેવાને લઇને છેલ્લા છ દિવસથી ભારેલા અગ્નિ જેવી પરિસ્થિતિ પેદા થઈ છે. જો કે, દલિત પરિવાર દ્વારા પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં અગાઉથી જ ૬૩૫૧ રૂપિયા ભરીને પોલીસ પ્રોટેક્શન માંગ્યું હતું. પોલીસની હાજરી હોવા છતાં ગામમાં ડી.જે. વગાડવા દેવામાં આવ્યું ન હતું અને હોબાળો થતાં ડી.જે.વાળો પરત ગયો હતો, તો કાંતીભાઈ મેલાભાઈ લેઉવા દ્વારા પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ૩૩ પુરૂષો તથા ૨૦થી ૨૫ મહિલાઓ સામે જાતિ પ્રત્યે અપમાનિત કરતા શબ્દો ઉચ્ચારી પથ્થરમારો તથા બિભત્સ ગાળો બોલવા મામલે એટ્રોસિટીની ફરિયાદ કરવામાં આવી હતી. ફરિયાદ બાદ હાલ તો દલિત પરિવારના સભ્યો બીકના માર્યા ગામ છોડીને જતાં રહ્યા છે, તો અન્ય સમાજના ગ્રામજનો તથા પોલીસ ચોપડે લખાયેલા આરોપીઓ પણ પોલીસની બીકના માર્યા ગામમાંથી અન્યત્ર જતાં રહ્યા છે. હાલ ગામમાં છૂટા છવાયા પરિવાર તથા મહિલાઓ તેમજ છોકરાઓ છે. જેથી હાલ ગામ સૂમસાન જેવું ભાસે છે. આશ્ચર્યની વાતએ છે કે, ગામમાં પોલીસનો ચૂસ્તબંદોબસ્ત સાથે ફરિયાદીના ઘર પાસે પણ પોલીસનો બંદોબસ્ત હોવા છતાં ફરિયાદી દલિતના ઘર પાસે આવેલ વાડામાં પડેલા લાકડામાં આગચંપીનું છમકલું થયું હતું. આગના સમાચાર પ્રાંતિજ ફાયર ટીમને મળતા તાત્કાલિક ઘટનાસ્થળે દોડી જઈ આગ ઓલવી હતી, તો પોલીસ દ્વારા રાત્રીના આરોપીઓના ઘરોમાં કોમ્બીગ કરતાં મહિલાઓ તથા બાળકીઓ સાથે ઘર્ષણ સર્જાયું હતું. પોલીસે દમન ગુજાર્યો હતો તેવું મહિલાઓ અને ગ્રામજનો જણાવી રહ્યા છે. પોલીસની આ દમનગીરી સામે આજે ક્ષત્રિય સમાજના લોકોમાં રોષ જોવા મળ્યો હતો અને આ અંગે પ્રાંતિજ તાલુકાના ક્ષત્રિય આગેવાનો સહિત સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પ્રાંતિજ-તલોદના પ્રાંત અધિકારી તથા પ્રાંતિજ મામલતદાર ભગોરાને આવેદનપત્ર આપી રજૂઆતો કરી હતી, તો પ્રાંતિજ પોલીસ દ્વારા રાત્રીના સમયે આગચંપીના બનાવને લઇને ફરિયાદી કનુભાઇ હિરાભાઈ ચમાર (રહે.ઝાલાની મુવાડી)ના એક ટ્રેક્ટર લાકડાં કોઇ અજાણ્યા ઇસમો દ્વારા બાળી મૂકાતા ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પ્રાંતિજ પોલીસે અજાણ્યા ઇસમો વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.