નવી દિલ્હી, તા. ૧૬
રાહુલ ગાંધીએ શનિવારે કોંગ્રેસના અધ્યક્ષ પદે સત્તાવાર રીતે સુકાન સંભાળી લીધું હતું. દિલ્હી ખાતેના કોંગ્રેસ ભવનમાં યોજાયેલા સમારોહમાં રાહુલ ગાંધી પાર્ટીના નવા અધ્યક્ષ બની ગયા હતા. આ પ્રગંસે પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષા તથા તેમના માતા સોનિયા ગાંધી, પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ, બહેન પ્રિયંકા અને તેમના પતિ રોબર્ટ વાડ્રા સહિત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા. રાહુલ ગાંધીને પ્રમાણપત્ર આપી સત્તાવાર રીતે કોંગ્રેસના અધ્યક્ષ જાહેર કરવામાં આવ્યા હતા. પદ ગ્રહણ કર્યા બાદ કાર્યકરોને આપેલા પ્રથંમ ભાષણમાં રાહુલ ગાંધીએ પીએમ નરેન્દ્રમોદી પર નિશાન તાક્યું હતું. તેમણે કહ્યું કે, કોંગ્રેસ ભારતને ૨૧મી સદીમાં લઇને આવી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આપણને મધ્યયુગ એટલે કે, માલદીવના સમયમાં લઇ જઇ રહ્યા છે. ભાજપ તથા મોદી પર પ્રહાર કરતા રાહુલે કહ્યું કે, એક વખત આગ લાગ્યા બાદ તેના પર કાબૂ મેળવવો મુશેકેલ હોય છે અને ભાજપે સમગ્ર દેશમાં આગ લગાવી છે. તેમણે કહ્યું કે, તેઓ આગ લગાવે છે અને અમે તેને બુઝાવી રહ્યા છીએ. રાહુલે કહ્યું કે, જો કોઇ ભાજપને આ આગ લગાવવાથી રોકી શકતા હોય તો તે ફક્ત કોંગ્રેસના કાર્યકરો છે. અમે કોંગ્રેસની ગ્રાન્ડ ઓલ્ડ પાર્ટી અને યંગ પાર્ટી બનાવીશું અને ક્રોધની રાજનીતિ વિરૂદ્ધ લડાઇ લડીશું. તેમણે કહ્યું કે, અમે ભાજપને ભાઇ-બહેનની જેમ માનીએ છીએ પરંતુ અમે તેમનાથી સહમત નથી. ભાજપ અવાજને કચડી દે છે જ્યારે અમે બોલવાની તક આપીએ છીએ. આ પ્રસંગે મનમોહનસિંહ તથા સોનિયા ગાંધીએ પણ સંબોધન કર્યંુ હતું. મનમોહનસિંહે જણાવ્યું હતું કે, હવેજ્યારે સોનિયા ગાંધીએ પાર્ટીનું સુકાન રાહુલ ગાંધીને સોંપી દીધું છે ત્યારે હું સોનિયાજીને તેમના ૧૯ વર્ષના નેતૃત્વ માટે સલામ કરૂ છું. રાહુલ ગાંધી પાર્ટીમાં નવું સમર્પણ અને કટિબદ્ધતા લાવ્યા છે. મને આશા છે કે, પાર્ટી સફળતાની નવી ઊંચાઈઓને આંબશે. ઉલ્લેખનીય છે કે, અત્યારસુધી રાહુલ ગાંધી કોંગ્રેસના ઉપાધ્યક્ષ પદે બિરાજમાન હતા. સોમવારે બપોરે રાહુલને નિર્વિરોધ પાર્ટીના અધ્યક્ષ પદે ચુંટી લેવામાં આવ્યા હતા. કોંગ્રેસના નેતા મુલ્લાપલ્લી રામચંદ્રને કહ્યું કે, રાહુલના પક્ષમાં ૮૯ નામાંકન પત્રો મળ્યા હતા જે તમામ યોગ્ય હતા. તેમણે કહ્યું કે, એક જ ઉમેદવારે ઉમેદવારી નોંધાવી હોવાથી રાહુલ ગાંધીને ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના અધ્યક્ષ તરીકે ચૂંટી લેવામાં આવ્યા છે. રાહુલના માતા સોનિયા ગાંધી છેલ્લા ૧૯ વર્ષથી પાર્ટીનું સુકાન સંભાળી રહ્યા હતા અને છેલ્લા કેટલાક સમયથી તેમની તબીયત સારી રહેતી ન હતી.