(એજન્સી) મુંબઈ, તા.૩૦
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દશેરા પર્વ નિમિત્તે નવી દિલ્હીના લાલકિલ્લા ખાતે જનમેદનીને સંબોધી હતી. ભાજપ અને વિપક્ષના અનેક નેતાઓ પર્વની ઉજવણી માટે એકત્રિત થયા હતા. વડાપ્રધાન મોદી વિજયાદશમીની ઉજવણીમાં રામલીલા મેદાને હાજરી આપે તે પહેલાં જ જોરદાર પવન ફૂંકાતા ૮૦થી ૯૦ ફૂટ ઊંચા રાવણનું પૂતળુ જમીનદોસ્ત થયું હતું. બાદમાં વહીવટી તંત્રએ વડાપ્રધાન આવે તે પહેલાં પરિસ્થિતિને સંભાળી હતી.
ધાર્મિક લિલા કમિટીના પ્રેસ સેક્રેટરી રવિ જૈને જણાવ્યું હતું કે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. જ્યારે એસપીએ કહ્યું કે પૂતળુ જમીનદોસ્ત થતા બાજુમાં ઊભેલા બે લોકોને સામાન્ય ઈજા થઈ હતી. વડાપ્રધાન મોદીએ રામલીલા મેદાન પર આવી ઉજવણીના ભાગરૂપે જનમેદનીને સંબોધી દશેરા પર્વના અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે આપણા દેશમાં તહેવારો શિક્ષણનું માધ્યમ છે તમામ ધાર્મિક તહેવારો સમાજને શિક્ષિત કરવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. તે આપણા દેશની ગાથા અને પરંપરા સાથે જોડાયેલા છે. વધુમાં તેમણે કહ્યું કે તહેવારોને મનોરંજન તરીકે ઉજવવા જોઈએ નહીં આપણા દેશને દુશ્મનો વિરૂધ્ધ લડવા માટે અથાક પરિશ્રમ કરવો પડશે. મોદી બાદ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ પ્રજાને સંબોધી વિજયાદશમીની શુભેચ્છા પાઠવી હતી. તેમણે તમામ ભારતીયોને ભગવાનના ઉદ્દેશોને વળગી રહેવા અરજ કરી હતી.