(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૧
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અનેક પ્રકારની અપેક્ષા અને ઉત્સુકતા વચ્ચે આવતીકાલે પાટનગર ગાંધીનગર અક્ષરધામ મંદિરના સિલ્વર જ્યુબિલી કાર્યક્રમમાં હાજરી આપવા માટે પહોંચી રહ્યા છે. તેમના કાર્યક્રમને લઇને તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. મોદીના કાર્યક્રમને લઇને અક્ષરધામ મંદિરના આસપાસના વિસ્તારને મજબૂત છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે. મોદી સાંજે ૫ વાગ્યાની આસપાસ અમદાવાદ આવી પહોંચશે. ત્યારબાદ રાજભવન પહોંચ્યા બાદ સાંજે ૬.૩૦ વાગ્યાની આસપાસ અક્ષરધામના કાર્યક્રમમાં હાજરી આપશે. તેઓ મંદિરમાં દર્શન કરશે અને લાઇટ એન્ડ સાઉન્ડ શોને નિહાળશે. મોડે સુધી ચાલનાર આ કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ તેઓ પરત ફરશે. મંદિરને શાનદાર શણગારવામાં આવ્યું છે. રાહુલ ગાંધી પહેલાથી ગુજરાતની યાત્રાએ છે ત્યારે બે ટોપ નેતા એક સાથે ચૂંટણીવાળા રાજ્યોમાં ભેગા થઇ રહ્યા છે.
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઇને પ્રચાર શરૂ થઈ ગયું છે ત્યારે મોદીની આ યાત્રા પણ તેમાં સૂચક ભાગરૂપે જ મનાય છે. રાજકીય રીતે આ યાત્રાને મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. પાટીદાર સમુદાયના લીડર બીએપીએસની સાથે જોડાયેલા લોકો ખુબ મોટી સંખ્યામાં છે. પાટીદાર સમુદાય દ્વારા અગાઉ આંદોલન પણ કરવામાં આવી ચૂક્યું છે. બીએપીએસ દ્વારા અક્ષરધામ મંદિર કેમ્પસમાં શ્રદ્ધાળુઓને એકત્રિત કરવા માટે આયોજન કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત મોદી ભાજપની બેઠકો વગેરેમાં પણ હાજરી આપશે. મોદી ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઇને હાલમાં અનેક વખત ગુજરાતની યાત્રાએ આવ્યા છે. અને અનેક કાર્યક્રમોમાં ભાગ પણ લીધો છે. વિવિધ પ્રોજેક્ટોના લોકાર્પણ કર્યા છે. ભાજપના પ્રમુખ અમિત શાહ પણ ગુજરાત પહોંચી રહ્યા છે. આવી સ્થિતિમાં હવે આગામી દિવસોમાં ગુજરાતમાં હાઈપ્રોફાઇલ નેતાઓ જોવા મળશે. ખાસ આ વખતે ૧૫૦ બેઠકો જીતવાનો લક્ષ્યાંક હોઈ ભાજપ પ્રમુખ અમિતશાહ અને વડાપ્રધાન મોદી તે માટે ખાસ ધ્યાન આપી ગુજરાતના ઉપરા-છાપરી પ્રવાસ કરી રહ્યા છે.