(સંવાદદાતા દ્વારા) સુરત, તા. ૧૯
ગત ચોવીસ કલાક દરમિયાન સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદનુ જોર ઘટયુ છે. સૌથી વધુ વરસાદ વઘઈ ખાતે અઢી ઈંચ નોંધાયો છે તે સિવાય ચાર તાલુકાઓમાં બે-બે ઈંચ અને તે સિવાયના અન્ય તાલુકાઓમાં ઝરમર વરસાદી ઝાપટા નોંધાયા છે. આજે સવારથી વાદળછવાયા વાતાવરણ વચ્ચે મેઘરાજાએ ઉઘાડ લીધો છે.
સુરત જિલ્લા ફલડ કન્ટ્રોલ રૂમ દ્વારા મળતી માહિતી મુજબ ગત ચોવીસ કલાક દરમિયાન સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર ઘટયુ છે. આજે સવારથી મેઘરાજાએ ઉઘાડ લીધો છે. ગત ચોવીસ કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ ડાંગ જિલ્લાના વઘઈ તાલુકામાં ૬૮ મીમી (અઢી ઈંચ) વરસાદ નોંધાયો છે. ત્યારબાદ વલસાડ, વાપી, ધરમપુર, અને ચીખલી તાલુકામાં બે-બે ઈંચ વરસાદ ઝીંકાયો છે. માંગરોળમાં દોઢ ઈંચ વરસાદ નોંધાયો છે. નવસારી, ઉમરપાડા, જલાલપોર, કામરેજ અને ડોલવણ તાલુકાં અડધો ઈંચ વરસાદ નોંધાયો છે. સુરત શહેરમાં ૧૧ મીમી અને પલસાણામાં ૯ મીમી, ઓલપાડમાં ૭ મીમી, માંડવીમાં ૬ મીમી અને વ્યારામાં ૬ મીમી જેટલો નજીવો વરસાદ નોંધાયો છે. આજે સવારથી દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને તાપી જિલ્લાં વાદળછાયુ વાતાવરણ છવાયેલુ છે. સવારથી ઝરમર ઝાપટા થઈ રહ્યાં છે, પરંતુ કયાંય નોંધપાત્ર વરસાદ ન થતાં વહીવટી તંત્રએ રાહત અનુભવી છે. નવસારી અને વલસાડ જિલ્લાના નદી કિનારાના નીચાણવાળા ગામોમાં વરસાદી પાણીનો નિકાલ થતા જનજીવન રાબેતા મુજબ થઈ રહ્યાં છે.