(એજન્સી) નવી દિલ્હી, તા.૧૭
દેશમાં પેટ્રોલ-ડીઝલની કિંમતો ૩ વર્ષમાં ઉચ્ચતમ સ્તરે પહોંચી ગઈ છે. તેનાથી ઉપભોકતા ચિંતિત છે. તેઓનું માનવું છે કે, આ ઉત્પાદનો પર લાગતા કરોમાં વારંવાર ફેરબદલ કરાય છે તો બજાર આધારિત કિંમતોની અવધારણાનો કોઈ મતલબ નથી. પેટ્રોલ-ડીઝલની કિંમતો પર એસોચેમે ચિંતા વ્યકત કરી કહ્યું છે કે જ્યારે કિંમતો વધી રહી છે ત્યારે ટેક્ષ સુધારાનો કોઈ અર્થ નથી, વિશ્વ બજારમાં ક્રૂડના ભાવો સતત ઘટી રહ્યા છે તો બીજી તરફ ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવો વધી રહ્યા છે. ર૦૧૪માં ક્રૂડની કિંમત બેરલદીઠ-૧૦૪ ડોલર થઈ ગઈ હતી તે સમયે હાલના ભાવ કરતાં સસ્તું પેટ્રોલ મળતું હતું. છેલ્લા ૩ માસમાં ક્રૂડની કિંમતે ૪પ.૬૦ ડોલર બેરલથી વધી ૧૮ ટકા વધી છે. દિલ્હીમાં પેટ્રોલની કિંમત રૂા.૬પ.૪૦ના બદલે હવે રૂા.૭૦.૩૯ થઈ ગઈ. આ કિંમત ક્રૂડના ભાવ વધારા સામે ઓછા છે. પરંતુ વર્ષ ર૦૧૪માં મે માસમાં ક્રૂડ બેરલ દીઠ ૧૦૭ ડોલર હતું તેમ છતાં દિલ્હીમાં ૧ જૂન ૧૪ના રોજ પેટ્રોલની કિંમત લીટરે રૂા.૭૧.પ૧ પૈસા હતી ગ્રાહક આ તુલના કરે છે. એસોચેમે કહ્યું કે, ક્રૂડ ૧૦૭ ડોલર પ્રતિ બેરલ હતું ત્યારે દેશમાં પેટ્રોલની કિંમત ૭૧.પ૧ પૈસા હતી હવે જ્યારે ક્રૂડનો ભાવ ઘટીને પ૩.૮૮ ડોલર પ્રતિ બેરલ છે ત્યારે પેટ્રોલ ૪૦ રૂા. લીટર વેચાવું જોઈએ. તેમાં કહેવાયું છે કે, કિંમતો બજાર પર છોડી દેવાઈ છે.
પરંતુ કેન્દ્રને રાજ્ય સરકારો દ્વારા લેવાતા કર અને વેટમાં વારંવાર વધારાથી કર સુધારનો કોઈ મતલબ નથી. એસોચેમના મહાસચિવ ડી.એસ.રાવતે કહ્યું કે, ગ્રાહકોની કોઈ ભૂલ નથી. સુધાર એકતરફી થતો નથી. ક્રૂડનો ભાવ ઘટે તો તેનો લાભ ગ્રાહકોને પણ મળવો જોઈએ. સરકારને કલ્યાણ યોજનાઓ માટે આવકની જરૂર છે પરંતુ તેનાથી આર્થિક વિકાસ પ્રભાવિત થાય છે.