(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૨ર
સુરત જિલ્લાના કામરેજ ચાર રસ્તા પાસે ગતરોજ માથાભારે ગૌતમ ઉર્ફે ગોલ્ડનની ઘાતકી હત્યાના બનાવ બાદ આજે શિવશક્તિ હોટલ નજીક પીપોદરા નહેર પાસે ગટરમાંથી વધુ એક યુવાનની હાથ બાંધેલી હાલતમાં હત્યા કરાયેલી લાશ મળતાં પોલીસ અધિકારીઓ દોડતા થઇ ગયા હતા.
પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર આજે સવારે કામરેજ નેશનલ હાઈવે પર શિવશક્તિ હોટલ નજીક પીપોદરા નહેર પાસેથી વધુ એક યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. સ્થાનિક રાહદારીઓ દ્વારા જાણવા મળ્યું હતું કે ગટરમાં અજાણ્યા યુવકના હાથ પગ બાંધેલી લાશ દેખાતા કામરેજ પોલીસને જાણ કરી હતી. કામરેજ પીઆઈ સરવૈયા તાત્કાલિત ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અજાણ્યા યુવકની હત્યા કરાયેલી લાશની માહિતી મળતા જ ડીવાયએસપી સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો કામરેજ પોલીસ મથકે પહોંચ્યો હતો. પોલીસે ફોરેન્સિક તબીબો તેમજ ડોગ સ્કવોર્ડની મદદ લઈ અજાણ્યા યુવકની લાશનો કબજા મેળવી તેની ઓળખ માટેના પ્રયત્નો હાથ ધર્યા છે. અજાણ્યા યુવકની ઓળખ માટે આજુબાજુના ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં પોલીસે તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.