(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર,તા. ૧
ગુજરાતમાં અંગ્રેજી માધ્યમના ધોરણ-૧૨ના સંસ્કૃત વિષયના પુસ્તકમાં એક ગંભીર ભૂલ સામે આવી છે. આ પુસ્તકમાં એવો ગંભીર છબરડો સામે આવ્યો છે કે, રામે સીતાનું અપહરણ કર્યું હતું. અધિકારીઓ આ ભૂલ માટે અનુવાદકને દોષિત માની રહ્યા છે. જો કે, પુસ્તકના આ ગંભીર છબરડા અને ભૂલના કારણે શિક્ષણજગતમાં જોરદાર ખળભળાટ મચી ગયો હતો. વિવાદ વકરતાં સત્તાવાળાઓ દ્વારા તાત્કાલિક ધોરણે પુસ્તકની ઓનલાઇન કોપીમાં સુધારો કરી લેવાયો હતો. જો કે, ગુજરાતી ભાષાના પુસ્તકમાં આવી કોઇ ભૂલ સામે આવી ન હતી. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, ધોરણ-૧૨ અંગ્રેજી માધ્યના પુસ્તક ‘ઇન્ટ્રોડક્શન ટુ સંસ્કૃત લિટ્રેચર’ ના પાના નંબર ૧૦૬ પર લખવામાં આવ્યું છે કે અહીં કવિએ પોતાની મૌલિક વિચારસણીથી રામના ચરિત્રની શ્રેષ્ઠ તસવીર રજૂ કરી છે. રામ દ્વારા સીતાનું અપહરણ કર્યા બાદ લક્ષ્મણ દ્વારા રામને આપવામાં આવેલા સંદેશનું હ્રદયસ્પર્શી વર્ણન કરવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઉક્ત વાક્યમાં અપહરણ રામની જગ્યાએ રાવણે કર્યું હતું તેમ લખવાનું હતું. આમ રાવણની જગ્યાએ રામનું નામ લખાઇ ગયુ છે જે ગંભીર ભૂલ હોવાનું સામે આવતાં રાજયના શિક્ષણજગતમાં ચર્ચા ઉઠવા પામી છે. શિક્ષણ સત્તાવાળાઓ અને જવાબદાર અધિકારીઓ દ્વારા આ સમગ્ર મામલામાં પ્રફુરીડર પર દોષનો ટોપલો ઢોળવાનો પ્રયાસ થયો હતો પરંતુ વિવાદ વધુ વકરતાં સત્તાવાળાઓ દ્વારા તાત્કાલિક પુસ્તકની ઓનલાઇન કોપીમાં ભૂલ સુધારી લેવાઇ હતી અને સાચી વાકયરચના જોડી દેવાઇ હતી. બીજી તરફ ગુજરાતી પુસ્તકમાં છપાયેલ કાલિદાસના કાવ્ય ‘રઘુવંશમ‘ માં આ વાત સાચી રીતે છપાઇ છે. આમ ગુજરાતીમાં યોગ્ય લખાયુ છે પરંતુ અંગ્રેજી માધ્યમના પુસ્તકમાં છબરડો સર્જાતાં વધુ એક વખત વિવાદ સામે આવ્યો હતો. દરમ્યાન ગુજરાત રાજય પાઠયપુસ્તક મંડળના ડો.નીતિન પેથાણીએ જણાવ્યું હતું કે, અનુવાદમાં આ ભૂલ થઇ છે જેથી રાવણની જગ્યાએ રામનું નામ લખી દેવાયુ છે. ગુજરાતી પુસ્તકમાં આવી કોઈ ભૂલ નથી.