(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૯
આગામી વર્ષ ર૦૧૯માં લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. ત્યારે ભાજપ કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો ચૂંટણીની તડામાર તૈયારીઓમાં લાગી ગયા છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસે વિધાનસભા ચૂંટણીમાં જીતેલી બેઠકો પ્રમાણે લોકસભા સ્થિતિનું પૃથક્કરણ કરતા કોંગ્રેસ ૯ બેઠકો જીતી શકે તેવો દાવો કરવામાં આવ્યો છે અને તેનો રિપોર્ટ દિલ્હી હાઈકમાન્ડને સોંપ્યો હોવાનું જાણવા મળ્યું છે.
ગુજરાત વિધાનસભાની ગત વર્ષે યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસે સારૂં પ્રદર્શન કરી ૭૭ બેઠકો મેળવી હતી. આથી કોંગ્રેસના આત્મવિશ્વાસમાં વધારો થયો છે. આથી આ વિધાનસભા બેઠકો મુજબ લોકસભામાં કેટલી અને કઈ કઈ બેઠકો જીતી શકાય તેમ છે તે અંગે કોંગ્રેસે એક રિપોર્ટ તૈયાર કર્યો છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીની જીતેલી બેઠકો પ્રમાણે ગણિત માંડતા કોંગ્રેસ લોકસભાની ૯ બેઠકો જીતી શકે તેમ છે તેવો દાવો કર્યો છે. લોકસભામાં કોંગ્રેસ કઈ કઈ બેઠકો જીતી શકે તેમ છે તેનું એનાલિસીસ કરાતા બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, આણંદ, ભરૂચ, જૂનાગઢ, અમરેલી, સુરેન્દ્રનગર આ નવ બેઠકો જીતી શકે તેવું અનુમાન કરાયું છે કારણ કે ગુજરાત વિધાનસભામાં જીતેલી ૭૭ બેઠકો પૈકી મોટાભાગની બેઠકો આ નવ લોકસભા વિસ્તારની છે. આથી કોંગ્રેસ આ નવ બેઠકો માટે એકદમ નિશ્ચિત થઈ ગઈ છે જ્યારે જ્યાં બે-ત્રણ વિધાનસભા બેઠકો જીતી હોય ત્યાં વધુમાં વધુ મહેનત કરવા કાર્યકરોને સૂચના આપવામાં આવી છે. આ એનાલિસીસના આધારે કોંગ્રેસે દિલ્હી હાઈકમાન્ડને રિપોર્ટ સોંપી દીધો છે. સાથે-સાથે એ પણ જણાવ્યું છે કે, લોકસભાની નવ બેઠકો તો કોંગ્રેસ નિશ્ચિત જ મેળવશે જ્યારે બાકીની વધુમાં વધુ બેઠકો જીતવા કામે લાગી જશે. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાનું જણાવવું છે કે વિધાનસભાની જેમ લોકસભામાં એનાથી પણ શ્રેષ્ઠ પ્રદર્શન કરવા અમે તૈયાર છીએ અને એ માટે તમામ કાર્યકરોને સૂચના આપી દેવામાં આવી છે.