કોડીનાર, તા.૮
જામવાળાગીર વિસ્તારના જાવંત્રી બીટના ગીર અભ્યારણ્ય વિસ્તારમાંથી રર જેટલા સાગના વૃક્ષ કાપી લઈ જવાની ઘટના બનતા વનતંત્રની સતર્કતાને લીધે તમામ મુદ્દામાલ ભલગરિયા તરીકે ઓળખાતી વિસ્તારની એક આંબાવાડીના ખેતરમાંથી દટાયેલી હાલતમાં ૧૧૭ નંગ સાગી લકડાનો જથ્થો વનતંત્રએ કબજે લઈ સાગના લાકડા કાપવા અને વનને નુકસાન કરવા બદલ જામવાળા ગીરના બે સગાભાઈ સહિત એક મજૂર અને એક મિસ્ત્રી (સુથાર) મળીને કુલ ચારેય શખ્સો પાસેથી રૂા. એક લાખ એકાવન હજારનો દંડ વસૂલી વન ધારા હેઠળની કલમો સાથે ગુનો દાખલ કરતા જંગલ વિસ્તારમાંથી લાકડા ચોરી કરતા તત્ત્વોમાં ફફડાટ ફેલાયો છે. જે શખ્સોએ સાગના લાકડામાંથી બારી દરવાજા અને સેટી પલંગ બનાવ્યા હતા તે પણ વનખાતાએ કબજે લીધા હતા.
જામવાળા વનતંત્રએ વાડી જામવાળાના હસમુખ મોહનભાઈ વકેરિયાની હોઈ તેની પૂછપરછ કરતા વાડીમાં દાટેલા ૯પ લાકડા તથા ઘરમાંથી રર નંગ મળી કુલ ૧૧૭ નંગ લાકડા કબજે કરી વધુ પૂછપરછ હાથ ધરતા અગાઉ પણ સાગી લાકડા કાપ્યાનું ખુલતા તે લાકડામાંથી બનાવાયેલ ઘરના બારી-બારણા તથા સેટી પલંગ નંગ-ર કબજે લીધા હતા.
વનતંત્રએ હસમુખભાઈ વેકરિયા પાસેથી ૧.૮૯ ઘનમીટર સાગના લાકડા ઉપરાંત તેના ભાઈ શાંતિલાલ વેકરિયા પાસેથી સાગના ૧પ લાકડા તેમજ લાકડા કાપવા રાખેલ મજૂર તથા એક મિસ્ત્રીને પણ મદદગારી કરવા બદલ દંડ કરી વન ધારાની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો.